વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલની સદી, કોહલીના કીર્તિમાનની બરાબરી
- વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં શિભમન ગિલે ફટકારી સદી (Shubman Gill Records)
- મેચના બીજા દિવસે ગિલે સદી ફટકારીને નમૂનો રજૂ કર્યો
- ધમાકેદાર સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી
Shubman Gill Records : વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલએ બેટિંગનો શાનદાર નમૂનો રજૂ કર્યો હતો. જોકે, યશસ્વી જયસ્વાલ ગેરસમજને કારણે રનઆઉટ થયા બાદ ગિલએ જવાબદારી સંભાળી હતી અને ધમાકેદાર સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.
ભારતીય કેપ્ટન તરીકે શુભમન ગિલની આ પાંચમી ટેસ્ટ સદી છે. ગઈકાલ સાંજ સુધી તેમનું પ્રદર્શન થોડું ધીમું હતું, પરંતુ આજે તેમણે પોતાના સ્વાભાવિક આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. આ સિદ્ધિ સાથે જ ગિલએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના એક મોટા કીર્તિમાનની બરાબરી કરી લીધી છે.
વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી (Shubman Gill Records)
એક કેલેન્ડર વર્ષમાં કેપ્ટન તરીકે પાંચ ટેસ્ટ સદી ફટકારવાના મામલે અત્યાર સુધી વિરાટ કોહલીનું નામ હતું. ગિલએ હવે તેમની બરાબરી કરી લીધી છે. કોહલીએ આ કારનામું સતત બે વર્ષ (2017 અને 2018) કર્યું હતું. ગિલએ આ પાંચ સદી માત્ર 12 ઇનિંગ્સમાં ફટકારી છે, જ્યારે કોહલીએ આ સિદ્ધિ માટે 16 ઇનિંગ્સનો સમય લીધો હતો.
રોહિત અને ઋષભને પાછળ છોડી દીધા (Shubman Gill Records)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ટોચ પર ગિલએ રનોના મામલે રોહિત શર્મા અને ઋષભ પંત બંનેને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માએ WTCમાં 2716 રન બનાવ્યા છે. ઋષભ પંતે 2731 રન બનાવ્યા છે. સદી ફટકાર્યા બાદ ગિલ આ બંને બેટ્સમેનથી આગળ નીકળી ગયા છે અને હવે તે WTCમાં સર્વકાલીન સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયા છે.
મેચનો સારાંશ
દિલ્હી ટેસ્ટમાં ભારતે 5 વિકેટે 518 રન બનાવીને દાવ ડિકલેર (ઘોષિત) કર્યો હતો. યશસ્વી જયસ્વાલ (175)એ શાનદાર બેટિંગ કરી હતી. ધ્રુવ જુરેલ 44 રન બનાવીને આઉટ થયા હતા, પરંતુ કેપ્ટન ગિલ 129 રન બનાવીને અણનમ રહ્યા હતા. વધુમાં, 2013 થી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી છેલ્લી 14 ટેસ્ટ મેચોમાં કુલ 25 સદી ફટકારાઈ છે, જેમાં 23 સદી ભારતીય બેટ્સમેનોએ ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી માત્ર રોસ્ટન ચેઝ જ બે વખત સદી ફટકારવામાં સફળ રહ્યો છે.
આ પણ વાંચો : IND vs WI 2nd Test, Day-2 : જયસ્વાલની મોટી ભૂલ! ચૂકી ગયો બેવડી સદી