Sports News : સુનિલ છેત્રી માર્ચમાં ભારત માટે રમશે, જાણો કોની સાથે થશે મુકાબલો
- આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો
- માર્ચમાં યોજાનારી ફિફા ઇન્ટરનેશનલ વિન્ડોમાં ભારતીય ટીમ તરફથી રમશે
- સુનિલ છેત્રીના ભારતીય ફૂટબોલ ટીમ સાથે 19 વર્ષ શાનદાર રહ્યા
Sports News : ભારતના સૌથી વધુ ગોલ કરનાર અને ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. સુનીલ છેત્રી હવે માર્ચમાં યોજાનારી ફિફા ઇન્ટરનેશનલ વિન્ડોમાં ભારતીય ટીમ તરફથી રમશે. 25 માર્ચે, ભારત બાંગ્લાદેશ સામે પોતાનો મુકાબલો રમશે, જે AFC એશિયન કપ 2027 ના ત્રીજા રાઉન્ડની ક્વોલિફાયર મેચ હશે.
વિશ્વના ચોથા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે
ભારતીય ફૂટબોલ ટીમ સાથે 19 વર્ષ શાનદાર રહ્યા બાદ સુનિલ છેત્રીએ ગયા વર્ષે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું હતુ. તેમણે 16 મે 2024ના રોજ જાહેરાત કરી કે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કુવૈત સામેની મેચ તેમની છેલ્લી મેચ હશે.
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા માહિતી આપી કે સુનિલ છેત્રીએ પાછા ફરવાનો નિર્ણય લીધો છે. સુનીલ છેત્રીની કારકિર્દી સિદ્ધિઓથી ભરેલી રહી છે. તેમણે ભારતીય ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ તકો પર ગોલ કર્યા છે અને ટીમને વિજય તરફ દોરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 94 ગોલ કર્યા છે અને વિશ્વના ચોથા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેનાથી આગળ ફક્ત ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને અલી દાઈ છે.
ભારત શિલોંગમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ સુનિલ છેત્રીએ ઇન્ડિયન સુપર લીગ (ISL) માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ સિઝનમાં તે બેંગલુરુ એફસી માટે શાનદાર ફોર્મમાં છે. 2024-25 સીઝનમાં અત્યાર સુધીમાં તેણે 12 ગોલ કર્યા છે અને 2 આસિસ્ટ પણ નોંધાવ્યા છે. સુનીલ છેત્રીએ આ સિઝનમાં બેંગલુરુ એફસી માટે 23 મેચ રમી છે, જેમાંથી 17 મેચમાં તેને શરૂઆતના અગિયારમાં સામેલ કરવામાં આવ્યો હતો. નિવૃત્તિ સમયે સુનિલ છેત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમનો નિર્ણય ફિટનેસને કારણે નથી, પરંતુ તે સંપૂર્ણપણે ફિટ અને તૈયાર છે. ભારતના AFC એશિયન કપ ક્વોલિફાઇંગ ગ્રુપમાં બાંગ્લાદેશ, હોંગકોંગ (ચીન) અને સિંગાપોરનો સમાવેશ થાય છે. ભારત શિલોંગમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આ પણ વાંચો: NASA ના એથેના લેન્ડરની ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ... જાણો કેમ હજુ પણ વધ્યું વૈજ્ઞાનિકોનું ટેન્શન