આ ભારતીય યુવા બેટ્સમેન બોલર્સનું કેરિયર કરી દેશે ખરાબ! એકવાર ફરી જોવા મળી વિસ્ફોટક બેટિંગ
- વૈભવ સૂર્યવંશીની એકવાર ફરી જોવા મળી વિસ્ફોટક બેટિંગ
- ઇંગ્લેન્ડ અંડર-19 ટીમ ભારતીય ટીમ સામે હારી
- ભારતીય બોલિંગમાં કનિષ્ક ચૌહણનું પ્રદર્શન રહ્યું શાનદાર
Vaibhav Suryavanshi : ભારતની સિનિયર ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ અપેક્ષા મુજબ ભલે શરૂ ન થયો હોય, પણ બીજી તરફ આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળની ભારત અંડર-19 ટીમે પોતાના પ્રવાસની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. ઇંગ્લેન્ડ અંડર-19 ટીમ સામેની 5 મેચની યુવા ODI શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી. આ મેચમાં ભારતીય ટીમે માત્ર 24 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું, જેમાં 14 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનું વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું.
વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ
પ્રથમ યુથ ODI મેચ હોવના સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ઇંગ્લેન્ડ અંડર-19 ટીમે પ્રથમ બેટિંગ કરતા 42.2 ઓવરમાં 174 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, ભારત અંડર-19 ટીમની ઓપનિંગ જોડી આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર શરૂઆત કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે 71 રનની ઝડપી ભાગીદારી કરી, જેણે મેચને એકતરફી બનાવી દીધી. વૈભવે માત્ર 19 બોલમાં 48 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેનો સ્ટ્રાઇક રેટ 252.63નો રહ્યો, જેણે ઇંગ્લેન્ડના બોલરોને હંફાવી દીધા. વૈભવના આઉટ થયા બાદ અભિજ્ઞાન કુંડુએ 34 બોલમાં 45 રનની અણનમ ઇનિંગ રમી અને
ભારતને 6 રનથી વિજય અપાવ્યો.
બોલિંગમાં કનિષ્ક ચૌહાણનું શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમની બોલિંગ પણ આ મેચમાં શાનદાર રહી. ખાસ કરીને કનિષ્ક ચૌહાણે 3 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપને ધ્વસ્ત કરી નાખી. આ ઉપરાંત, મોહમ્મદ ઇનાન, આરએસ અંબરીશ અને હેનિલ પટેલે દરેકે 2-2 વિકેટ લઈને ઇંગ્લેન્ડની ટીમને 174 રનમાં સમેટી દીધી. ઇંગ્લેન્ડના 6 ખેલાડીઓ ડબલ ફિગરનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા, જે ભારતીય બોલરોની શાનદાર બોલિંગ પ્રદર્શન દર્શાવે છે.
આગળની મેચની રાહ
આ જીત સાથે ભારત અંડર-19 ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ શ્રેણીની બીજી મેચ 30 જૂન, 2025ના રોજ રમાશે, જેમાં ભારતીય ટીમ આ ગતિને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓનું આ પ્રદર્શન ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.
આ પણ વાંચો : India vs Pakistan : સંબંધોમાં કડવાશ વચ્ચે ભારત-પાકિસ્તાનની ટીમ જોવા મળશે ક્રિકેટના મેદાને