Virat Kohli Mahakaleshwar Visit : મહાકાલની ભક્તિમાં વિરાટ મગ્ન: ઈન્દોર વનડે પહેલા ઉજ્જૈનમાં ભસ્મ આરતી કરી
- નિર્ણાયક મેચ પહેલા વિરાટ કોહલી અને કુલદીપ યાદવ મહાકાલના શરણે
- ઉજ્જૈનમાં વહેલી સવારે ભસ્મ આરતીમાં સહભાગી થયા ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ
- વિરાટ કોહલી ભક્તિમાં લીન થઈ કીર્તન કરતા કેમેરામાં થયા કેદ
- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝનો અંતિમ જંગ હવે ઈન્દોરમાં ખેલાશે
- રાજકોટમાં મળેલી હાર બાદ ખેલાડીઓએ લીધા બાબા મહાકાલના આશીર્વાદ
Virat Kohli Mahakaleshwar Visit : મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવનારા ભારતીય ક્રિકેટના સિતારાઓ આજે આધ્યાત્મિક રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે ઈન્દોરમાં રમાનારા નિર્ણાયક વનડે મુકાબલા પહેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, સ્પિનર કુલદીપ યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીરે ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું.
Virat Kohli Mahakaleshwar Visit :ભક્તિમાં લીન જોવા મળ્યા વિરાટ-કુલદીપ
શનિવારે વહેલી સવારે આશરે 4 વાગ્યે વિરાટ કોહલી અને કુલદીપ યાદવ મહાકાલના નંદી હોલમાં ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. સાદગીના પ્રતીક સમાન વિરાટ કોહલી અહીં સંપૂર્ણપણે ભક્તિમાં તરબતર જોવા મળ્યા હતા. કપાળ પર ભસ્મ અને ચંદનનો તિલક લગાવીને વિરાટ તાળીઓ વગાડી કીર્તનનો આનંદ માણતા કેમેરામાં કેદ થયા હતા. તેમની પાછળ જ કુલદીપ યાદવ પણ બેઠેલા જોવા મળ્યા હતા. ઈન્દોરથી ઉજ્જૈનનું અંતર ઓછું હોવાથી બંને ખેલાડીઓએ વહેલી સવારે બાબા મહાકાલના આશીર્વાદ લેવાનું પસંદ કર્યું હતું.
#WATCH | Madhya Pradesh | Former Indian Captain and Star Cricketer Virat Kohli, along with Kuldeep Yadav, offered prayers at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/GirLTB7j6I
— ANI (@ANI) January 16, 2026
રાજકોટની હાર બાદ હવે કરો યા મરોનો જંગ
રાજકોટમાં રમાયેલી વનડેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં કોહલી અને કુલદીપ બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કુલદીપની ઓવરોમાં કીવી બેટ્સમેનોએ રન લૂંટ્યા હતા, તો વિરાટ સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલી શક્યા નહોતા.
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ફાઈનલ ફાઈટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝનો અંતિમ અને નિર્ણાયક મેચ 18 જાન્યુઆરીએ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. વડોદરામાં ભારત જીત્યું હતું, તો રાજકોટમાં ન્યૂઝીલેન્ડે વળતો પ્રહાર કરીને સીરીઝ 1-1 થી બરાબર કરી દીધી છે. ઈન્દોરનું મેદાન નાનું હોવાથી અહીં હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા છે. આ મેદાન પર કોઈ પણ સ્કોર સુરક્ષિત નથી, તેથી વિજેતા બનવા માટે બંને ટીમોએ એડીચોટીનું જોર લગાવવું પડશે.
આ પણ વાંચો : IND vs NZ T20I Series : Shreyas Iyer ની ટીમમાં વાપસી, જાણો કેમ કરાયો ફેરફાર


