વિરાટ કોહલીએ ફેન્સને આપ્યો ઝટકો, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
- વિરાટ કોહલીએ ફેન્સને આપ્યા આંચકાજનક સમાચાર
- ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી વિરાટ કોહલીએ
- ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી ફટકારી છે કોહલીએ
- અગાઉ T-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી
Virat Kohli Retirement : છેલ્લા ઘણા દિવસોથી એક અટકળો ચાલી રહી હતી કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટ (Test cricket) ને અલવિદા કહી શકે છે, જેને લઇને હવે ખુદ વિરાટ કોહલી (Virat Kohli) એ જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. જીહા, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટે આ મોટી જાહેરાત કરી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તાજેતરમાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) ને અલવિદા કહ્યું. રોહિતના નિવૃત્તિના માત્ર 5 દિવસ પછી, વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટને અલવિદા કહી દીધું છે. આમ, સ્ટાર બેટ્સમેનના 14 વર્ષના લાંબા યુગનો અંત આવ્યો છે.
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ક્રિકેટની દુનિયામાં એક મોટા સમાચારે ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં આ જાહેરાતથી ફેન્સ દુઃખી થયા છે. ખાસ કરીને, રોહિત શર્માએ અગાઉ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું, અને માત્ર 5 દિવસ બાદ કોહલીના આ નિર્ણયે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત લાવી દીધો છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી, જેમાં તેમણે ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને આભાર વ્યક્ત કર્યો છે. વિરાટે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ તેને કેવી સફર પર લઈ જશે. તેણે તેની કસોટી કરી, તેને ઘડ્યો, અને તેને એવા પાઠ શીખવ્યા જે તે તેના બાકીના જીવન માટે તેની સાથે રાખશે.
View this post on Instagram
તેણે આગળ લખ્યું, સફેદ કપડાં પહેરીને રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ તે હંમેશા તમારી સાથે રહે છે. આ ફોર્મેટથી દૂર જવું સરળ નથી, પરંતુ આ યોગ્ય સમય છે. તેણે પોતાનું સર્વસ્વ આપી દીધું છે અને તેણે તેને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. કોહલીએ આગળ લખ્યું કે, તે તે તમામ લોકોનો આભારી છે જેમની સાથે તે મેદાન પર રમ્યો હતો અને આ સમય દરમિયાન તેને જોનારા દરેકનો. તે હંમેશા પોતાની ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોશે. #269, સાઇન ઓફ.
ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની શાનદાર કારકિર્દી
વિરાટ કોહલીએ જૂન 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. 14 વર્ષની કારકિર્દીમાં તેમણે 129 ટેસ્ટ મેચમાં 210 ઇનિંગ્સ રમી અને 46.85ની શાનદાર એવરેજથી 9230 રન ફટકાર્યા. આ દરમિયાન તેણે 30 સદી અને 31 અડધી સદી ફટકારી, જેમાં 254 અણનમ રનનો સર્વોચ્ચ સ્કોર સામેલ છે. કોહલીની આક્રમક બેટિંગ અને નેતૃત્વએ ભારતને અનેક ઐતિહાસિક જીત અપાવી, ખાસ કરીને વિદેશી ધરતી પર. તેની અગ્રેસિવ શૈલી અને ફિટનેસે તેને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સ્થાન અપાવ્યું.
અન્ય ફોર્મેટમાંથી નિવૃત્તિ અને ભાવિ યોજનાઓ
વિરાટ કોહલીએ આ પહેલાં 2024ના T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ તેઓ ફક્ત વન-ડે ઇન્ટરનેશનલ (ODI) અને IPLમાં રમતા જોવા મળશે. રોહિત શર્મા સાથે મળીને કોહલી 2027ના ODI વર્લ્ડ કપમાં ભારતને ખિતાબ જીતાડવાનો લક્ષ્ય રાખશે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે તેની ઝળક હજુ પણ ચાહકોને જોવા મળશે, જે ફેન્સ માટે રાહતની વાત છે.
આ પણ વાંચો : શું હવે વિરાટ કોહલી નહીં જોવા મળે ટેસ્ટ જર્સીમાં? જાણો BCCI એ શું કહ્યું