દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ODI શ્રેણી બાદ અલગ અંદાજમાં જોવા મળ્યા Virat Kohli, આ પવિત્ર મંદિરમાં કર્યા દર્શન
- શ્રેણી જીત્યા બાદ Virat Kohli સિંહાચલમ મંદિરે દર્શન કરવા પહોંચ્યા
- વિરાટ કોહલીએ મંદિરમાં પરંપરાગત વિધિ કરી
- અયોધ્યા-વૃંદાવન પછી, તેઓ ફરીથી ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા
Virat Kohli offer prayers at Simhachalam temple : ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની વન-ડે (ODI) શ્રેણીમાં 2-1થી ભવ્ય વિજય મેળવ્યા બાદ, ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ આધ્યાત્મિક શાંતિ માટે વિશાખાપટ્ટનમ ખાતે આવેલા શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં કોહલી સાથે તેમના પરિવારના સભ્યો અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ જોડાયા હતા. આ ઘટના વિરાટના રમત પ્રત્યેના સમર્પણની સાથે ધર્મ પ્રત્યેની તેમની ઊંડી આસ્થા દર્શાવે છે.
સિંહાચલમ મંદિરમાં વિરાટની આસ્થા
રવિવારે, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવી શ્રેણી જીત્યાના બીજા જ દિવસે વિરાટ કોહલી (Virat Kohli) અને તેમના પરિવારે ઐતિહાસિક સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા હતા. જ્યા મંદિરના અધિકારીઓએ કોહલી અને તેમના સાથી ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જોકે, દર્શન પહેલાં, કોહલીએ પરંપરાગત 'કપ્પસ્થમ્બમ અલિંગનમ' (પવિત્ર સ્તંભને ભેટીને) વિધિમાં ભાગ લીધો હતો. આ વિધિ મંદિરની પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દર્શન બાદ, પુજારીઓએ નાદસ્વરમના પવિત્ર અવાજની વચ્ચે વૈદિક આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે જ ખેલાડીઓને પવિત્ર મંદિરના વસ્ત્રો, દેવતાનો ફોટો અને દેવસ્થાનમ તરફથી પ્રસાદ ભેટમાં આપવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરતા ફોટા અને વીડિયોમાં કોહલી ફૂલોની માળા સાથે એકાંતમાં મંદિર પરિસરમાં પ્રવેશતા જોવા મળે છે.
Vira Kohli નું શાનદાર પ્રદર્શન
આધ્યાત્મિક શાંતિ મેળવતા પહેલાં, વિરાટ કોહલીએ મેદાન પર તેનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની આ વન-ડે શ્રેણીમાં તેમનું પ્રદર્શન તેમની કારકિર્દીના 5-7 વર્ષના પુનરાગમન જેવું જબરદસ્ત હતું. વિરાટે 3 મેચમાં કુલ 302 રન બનાવ્યા. જેમાં 2 સદી (રાંચીમાં 135 રન અને રાયપુરમાં 102 રન) અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે. વળી અંતિમ મેચ (વિશાખાપટ્ટનમ) માં તેઓ 65 રન બનાવીને અણનમ રહ્યા હતા અને ટીમને જીત અપાવી હતી. તેમના આ શાનદાર પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.
હવે વિરાટ ક્યારે મેદાને જોવા મળશે?
મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલી (Virat Kohli)એ T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેથી હવે તે માત્ર વન-ડે (ODI) ફોર્મેટમાં જ જોવા મળશે. જોકે, ભારતીય સ્ટાર બેટ્સમેન જાન્યુઆરી 2026માં ફરી મેદાનમાં પાછો ફરશે, જ્યારે ભારત ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ODI હોમ સિરીઝ રમશે. રસપ્રદ વાત એ છે કે, રોહિત શર્માએ પણ T20I અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેથી તે પણ આ શ્રેણીમાં વિરાટ સાથે જોવા મળશે. આ ત્રણેય મેચો વડોદરા, રાજકોટ અને ઇન્દોરમાં રમાશે.
આ પણ વાંચો : સચિન તેંડુલકરનો મહારેકોર્ડ તોડી Vira Kohli આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બન્યો Player of the Series નો બાદશાહ