શું હવે વિરાટ કોહલી નહીં જોવા મળે ટેસ્ટ જર્સીમાં? જાણો BCCI એ શું કહ્યું
- વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે
- ENG પ્રવાસ પહેલા BCCI ને માહિતી આપી
- BCCIએ તેમને ફરીથી વિચાર કરવા કહ્યું
Virat Kohli Test Retirement : ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ અંગે તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જાણ કરી છે. કોઈ પણ સત્તાવાર નિવેદન ન હોવા છતાં, આ સમાચાર વિવિધ મીડિયા સૂત્રો દ્વારા સામે આવ્યા છે. કોહલીનો આ નિર્ણય ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન રોહિત શર્માના તાજેતરના નિવૃત્તિ પગલાં પછી આવ્યો છે.
તો શું કોહલી લેશે નિવૃત્તિ?
કોહલીના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયા (Team India) ની આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમની રચનામાં ફેરફારની શક્યતાઓ વધી છે. BCCIના ઉચ્ચ અધિકારીઓએ કોહલીને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પસંદગીકારો ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ નક્કી કરવા માટે થોડા દિવસોમાં બેઠક કરશે અને જો વિરાટ અને રોહિત (Virat and Rohit) બંને ઉપલબ્ધ નહીં થાય, તો તેમની સામે એક મોટો પડકાર આવશે. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના અંતથી જ નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે, જ્યાં તેના નિરાશાજનક પ્રદર્શન માટે તેની ભારે ટીકા થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણે પોતાનું મન બનાવી લીધું છે અને બોર્ડને જાણ કરી દીધી છે કે તે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે. ઇંગ્લેન્ડનો મહત્વપૂર્ણ પ્રવાસ આવી રહ્યો હોવાથી BCCIએ તેમને ફરીથી વિચાર કરવા કહ્યું છે. તેમણે હજુ સુધી આ વિનંતીનો જવાબ આપ્યો નથી.
કોહલીએ સૌ કોઇને ચોંકાવી દીધા
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં પોતાની છેલ્લી ટેસ્ટ શ્રેણી રમી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર, ટીમ ઈન્ડિયાને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રવાસમાં એક મેચ સિવાય, વિરાટ બેટથી કંઈ ખાસ કરી શક્યો નહીં. વળી, રોહિત શર્માને ખરાબ ફોર્મને કારણે 5મી ટેસ્ટમાંથી બહાર બેસવું પડ્યું. આ પછી, રોહિતની નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, તેમણે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી ન હોતી, પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસના લગભગ 45 દિવસ પહેલા નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.
આ પણ વાંચો : રાવલપિંડીના હુમલા બાદ PCB નો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટની બાકી મેચો હવે આ દેશમાં રમાશે