World Boxing Championship : જાસ્મીન બાદ હવે Meenakshi Hooda એ પણ જીત્યો Gold Medal
- જાસ્મીન બાદ હવે Meenakshi Hooda એ પણ જીત્યો ગોલ્ડ મેડલ
- વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને બીજો ગોલ્ડ
- 48 કિ.ગ્રા. કેટેગરીમાં કઝાખસ્તાનની કાઈઝેબેને હરાવી
- વડાપ્રધાન મોદીએ મીનાક્ષી હુડ્ડાને શુભેચ્છાઓ પાઠવી
- મીનાક્ષીની સફળતા ભારતીય ખેલાડીઓ માટે પ્રેરકઃ PM
- આ ચેમ્પિયનશિપમાં ભારત માટે બીજો ગોલ્ડ મેડલ
Meenakshi Hooda wins gold in World Boxing Championship : ભારતીય બોક્સિંગ માટે ગૌરવપૂર્ણ ક્ષણ, જ્યારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને 2 ગોલ્ડ મેડલ જીત્યા. જાસ્મિન લેમ્બોરિયાના ગોલ્ડ મેડલ બાદ હવે મીનાક્ષી હુડ્ડાએ પણ ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સફળતા ભારતીય બોક્સિંગના ભવિષ્ય માટે એક ઉજ્જવળ સંકેત છે.
મીનાક્ષી હુડ્ડા : 48 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડન પંચ
ભારતની યુવા બોક્સિંગ સ્ટાર મીનાક્ષી હુડ્ડાએ 48 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં કઝાકિસ્તાનની અનુભવી બોક્સર નાઝિમ કાયઝાઈબેનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. કાયઝાઈબેન અનેક વર્લ્ડ ગોલ્ડ મેડલ વિજેતા અને પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા રહી ચૂકી છે, તેથી મીનાક્ષીની આ જીત ખરેખર અસાધારણ ગણી શકાય. આ મેચમાં મીનાક્ષીએ નાઝિમને 4-1ના સ્કોરથી હરાવીને પોતાના પ્રભુત્વનો પરિચય આપ્યો. આ જીત માત્ર મીનાક્ષી માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય બોક્સિંગ સમુદાય માટે એક મોટી ઉપલબ્ધિ છે.
Meenakshi Hooda નો વિજયી પ્રવાસ
જણાવી દઇએ કે, મીનાક્ષીનો ફાઇનલ સુધીનો પ્રવાસ પણ અતિ પ્રભાવશાળી રહ્યો. સેમિફાઇનલમાં તેણે મંગોલિયાની બોક્સર અલ્ટાન્ટસેત્સેગ લુત્સેખાનને 5-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા, ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડની પમ્ફ્રે એલિસને અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની વાંગ કુઇપિંગને હરાવી હતી. મીનાક્ષીનું આ પ્રદર્શન તેની ટેકનિક, શક્તિ અને મેચ જીતવાની માનસિકતા દર્શાવે છે. તેના કોચ વિજય હુડ્ડાએ પણ આ જીત બદલ મીનાક્ષીને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે તે રૂરકી ગામની રહેવાસી છે. તેની સફળતાથી ગામ અને પરિવારમાં ખુશીનો માહોલ છે.
અગાઉની સિદ્ધિઓ
વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ મીનાક્ષીની કારકિર્દીમાં એક નવું સીમાચિહ્ન છે, પરંતુ તે પહેલા પણ તેણે ઘણી સિદ્ધિઓ પોતાના નામે કરી છે. મીનાક્ષીએ 2017માં જુનિયર નેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ, 2019માં નેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ, 2021માં સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર અને 2024માં બ્રિક્સ અને એલોર્ડા કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિઓ દર્શાવે છે કે મીનાક્ષી એક પ્રતિભાશાળી અને મહેનતુ ખેલાડી છે જે ભવિષ્યમાં ભારતીય બોક્સિંગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ પણ વાંચો : IND vs PAK : હાર બાદ પાકિસ્તાની ચાહકોમાં નારાજગી, કહ્યું - ભવિષ્યમાં ક્યારેય મેચ જોવા નહીં આવું