Studio On Wheels: આ.. ભામાશાએ તો 'દાન'ની સરાવણી વહાવી સૌનું 'દિલ' જીતી લીધું !
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં સદારામ સેવા સમિતિના અધ્યક્ષ બાબાભાઈ ભરવાડ (Bababhai Bharwad)
- પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલનું નિર્માણ
- બાબાભાઈ ભરવાડનું 10 કરોડથી વધુનું દાન
- "અઢારે વર્ણ એક સમાન", તેવા ભામાશાએ દિલ ખોલીને વાત કરી
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) સદારામ સેવા સમિતિના અધ્યક્ષ બાબાભાઈ ભરવાડ (Bababhai Bharwad) સાથે સીધી ચર્ચા કરવામાં આવી હતી. "અઢારે વર્ણ એક સમાન", તેવા ભામાશાએ આ સંવાદમાં પોતાના દાનની ભાવના વિશે ખુલીને વાત કરી હતી.
'Studio On Wheels'માં સદારામ સેવા સમિતિના અધ્યક્ષ બાબાભાઈ ભરવાડ
સદારામ સેવા સમિતિના અધ્યક્ષ અને પ્રખ્યાત દાતા બાબાભાઈ ભરવાડે ઉત્તર ગુજરાતના શૈક્ષણિક હબ પાટણમાં ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજની દીકરીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમમાં લાઇવ પોડકાસ્ટ દરમિયાન બાબાભાઈએ આ પ્રોજેક્ટ વિશે નિખાલસ વાતચીત કરી હતી.
બાબાભાઈ ભરવાડનું 10 કરોડથી વધુનું દાન
બાબાભાઈએ જણાવ્યું કે, તેમણે અઢી કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે અને હોસ્ટેલના નિર્માણ માટે 10 કરોડથી વધુનું આયોજન કર્યું છે. આ હોસ્ટેલમાં 75 ટકા સીટો ઠાકોર સમાજની દીકરીઓ માટે અને 25 ટકા અન્ય સમાજની દીકરીઓ માટે અનામત રાખવામાં આવશે. દીકરીઓને તમામ સુવિધાઓ જેવી કે રહેઠાણ, ભોજન વગેરે મફતમાં મળશે, જેથી છેવાડાના ગામોમાંથી આવતી વિદ્યાર્થિનીઓને શિક્ષણ મેળવવામાં સુરક્ષિત અને ઘર જેવું વાતાવરણ મળી રહે.
"અઢારે વર્ણ એક સમાન"નો સિદ્ધાંત
"અઢાર વર્ણ એક સમાન"ના સિદ્ધાંતને અનુસરીને બાબાભાઈએ કહ્યું કે, તેમનું ધ્યેય સંપત્તિનો સદુપયોગ કરીને સમાજસેવા કરવાનું છે. તેઓ 15 વર્ષથી સમાજસેવા સાથે જોડાયેલા છે અને શિક્ષણ તેમજ આરોગ્યને મુખ્ય પ્રાથમિકતા આપે છે. સદારામ બાપાના સંકુલના ભાગરૂપે આ હોસ્ટેલ બનશે, જેમાં હોસ્પિટલ સેવાઓનો પણ લાભ મળશે.
બાબાભાઈની કરુણા અને કર્મની ભાવના
બાબાભાઈએ વધુમાં જણાવ્યું કે, તેમણે સર્વે કર્યા પછી આ નિર્ણય લીધો છે, જેથી દાન નિષ્ફળ ન જાય અને દીકરીઓ સ્વસ્થ તેમજ સુરક્ષિત રહીને અભ્યાસ કરી શકે. આ પ્રોજેક્ટથી સમાજમાં નવો સેતુ બંધાશે અને પેઢીઓ સુધી આશીર્વાદ મળશે.આ સંવાદમાં બાબાભાઈની કરુણા અને કર્મની ભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે.
આ પણ વાંચો: Studio On Wheels: વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠનના પ્રમુખ સાથે ખાસ સંવાદ, યુવાનો માટે નવું પ્લેટફોર્મ તૈયાર


