Anand: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં આણંદ (Anand) ના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલે (Miteshbhai Patel) આણંદ જિલ્લામાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યો અને આગામી સમયના લક્ષ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એક સફળ બિઝનેસમેનથી લઈને જનતાના સેવક સુધીની તેમની સફર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની તેમની નેમ આ સંવાદમાં મુખ્ય રહી હતી.
Studio On Wheels માં સાંસદ Miteshbhai Patel સાથે ખાસ વાતચીત
મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ 2019માં પ્રથમવાર ચૂંટાયા ત્યારે તેમનો સૌથી પહેલો એજન્ડા આણંદમાં સિવિલ હોસ્પિટલ બનાવવાનો હતો. આજે રુ.172 કરોડના ખર્ચે બની રહેલી આ અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી 2-3 મહિનામાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે, જે આણંદના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક મોટી ક્રાંતિ સાબિત થશે.
રેલવે કનેક્ટિવિટી: 1 કલાકમાં પ્રોજેક્ટ મંજૂર અને વંદે ભારતનું સ્ટોપેજ
રેલવેના વિકાસ અંગે વાત કરતા તેમણે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની આણંદ મુલાકાત સમયે, સાંસદની રજૂઆત બાદ માત્ર 1 કલાકમાં રુ.100 કરોડથી વધુના ખર્ચે નવા અધ્યતન રેલવે સ્ટેશન માટે મંજૂરી મળી હતી. આ ઉપરાંત, સરદાર સાહેબની કર્મભૂમિ અને વિદ્યાર્થીઓના હબ ગણાતા આણંદને હવે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ પણ મળ્યું છે, જેનાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને મોટી સુવિધા મળી છે.
માનવીય અભિગમ: HIV પીડિતો માટે ડાયાલિસિસની સુવિધા
સાંસદે તેમના કાર્યકાળના સૌથી સંતોષકારક કાર્ય તરીકે HIV પીડિતો માટેની સુવિધાનો ઉલ્લેખ કર્યો હતો. જિલ્લામાં એચઆઈવી પીડિત દર્દીઓને ડાયાલિસિસ માટે અમદાવાદ જવું પડતું હતું. આ સમસ્યાને સમજીને તેમણે સરકારમાં રજૂઆત કરી અને હવે આણંદમાં જ એચઆઈવી દર્દીઓ માટે અલગથી ડાયાલિસિસ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટેની રૂમ બનાવવાનો ખર્ચ તેમણે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવ્યો હતો.
વિદેશમાં ફસાયેલા રત્નોની સુરક્ષા: અઝરબૈજાન અને યુક્રેન રેસ્ક્યુ
સાંસદ તરીકેની જાગૃતતા બતાવતા તેમણે જણાવ્યું કે, અઝરબૈજાનમાં કિડનેપ થયેલા આણંદના યુવાનોને છોડાવવા માટે તેમણે વિદેશ મંત્રાલય અને એસ. જયશંકરની ઓફિસ સાથે સતત ફોલોઅપ લીધું હતું. માત્ર 48 કલાકમાં આ યુવાનોને હેમખેમ પરત લાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે યુક્રેન-રશિયા યુદ્ધ સમયે પણ આણંદના 33 વિદ્યાર્થીઓને સલામત રીતે વતન પરત લાવવા માટે તેઓ સતત સક્રિય રહ્યા હતા.
ભવિષ્યનું વિઝન: એર સ્ટ્રીપ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ
આગામી સમયના આયોજન વિશે મિતેશભાઈએ જણાવ્યું હતું કે, આણંદમાં નાની હવાઈ પટ્ટી બનાવવાનું તેમનું વિઝન છે, જેથી એર એમ્બ્યુલન્સ અને એનઆરઆઈ (NRI) મુસાફરોને સુવિધા મળી શકે, આણંદ જિલ્લો ખેતી પ્રધાન હોવાથી અહીં મોટા પાયે ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવા માટે તેઓ કલેક્ટર અને સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે. અમિત શાહના નેતૃત્વમાં સહકારી યુનિવર્સિટી દ્વારા આણંદના સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાની નેમ છે.
આ પણ વાંચો : Studio on Wheels Kheda: ખેડા જિલ્લાની આર્થિક જીવાદોરી, KDCC બેંકની 75 વર્ષની શાનદાર સફર અને તેજસભાઈ પટેલનું ક્રાંતિકારી નેતૃત્વ