Studio On Wheels : 'વીરને જરી ભરેલા સાફા' ગીત પાછળ છે આ મહિલાનો હાથ, ઉદય ધાધલે ખોલ્યા સફળતાના રહસ્યો
- લોકગાયક ઉદય ધાધલ (Uday Dhadhal) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ખાસ વાતચીત
- 14 મહિનાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી, આજે ગુંજે છે ગુજરાતમાં અવાજ
- ગાયક પોતે પણ નથી જાણતા હોતા કાલનો પ્રોગ્રામ ક્યાં છે!
- ઉદય ધાધલએ પોતાની સંગીત યાત્રા, પારિવારિક સંઘર્ષ અને સફળતાના રહસ્યો વિશે હૃદયસ્પર્શી વાતો રજૂ કરી
Studio On Wheels : ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે હાલમાં જેમના ગીતો સોશિયલ મીડિયાથી લઈને લગ્ન પ્રસંગો સુધી ધૂમ મચાવી રહ્યા છે, તેવા જાણીતા લોકગાયક ઉદય ધાધલ (Uday Dhadhal) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) કાર્યક્રમ અંતર્ગત ખાસ સંવાદ યોજાયો હતો. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે પોતાની સંગીત યાત્રા, પારિવારિક સંઘર્ષ અને સફળતાના રહસ્યો વિશે હૃદયસ્પર્શી વાતો રજૂ કરી હતી.
લોકગાયક ઉદય ધાધલ (Uday Dhadhal) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ખાસ વાતચીત
ઉદય ધાધલે જણાવ્યું કે તેમના સંગીત જીવનની શરૂઆત વર્ષ 2013-14 થી થઈ હતી. જોકે, ખરા અર્થમાં વર્ષ 2024-25 તેમના માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થયું. આજે તેમના ગીતો 'વીરને જરી ભરેલા સાફા' અને 'તુલસીશ્યામ' ગુજરાતના ઘરે-ઘરે ગુંજી રહ્યા છે.
પારિવારિક પૃષ્ઠભૂમિ અને માતાનો સિંહફાળો
ઉદયભાઈના જીવનમાં સંઘર્ષ ખૂબ જ નાની ઉંમરથી શરૂ થયો હતો. જ્યારે તેઓ માત્ર 14 મહિનાના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું હતું. 22 વર્ષની નાની વયે વિધવા થયેલા તેમના માતાએ અત્યંત મુશ્કેલીઓ વેઠીને બંને ભાઈઓનો ઉછેર કર્યો. ઉદયભાઈ પોતાની તમામ સફળતાનો શ્રેય તેમના માતાના ત્યાગ અને આશીર્વાદને આપે છે.
મોટાભાઈ: જીવનનો 'કોહીનૂર'
વાતચીત દરમિયાન તેમણે મોટાભાઈ અજયભાઈ વિશે ભાવુકતા સાથે જણાવ્યું કે, તેઓ તેમના જીવનમાં 'કોહીનૂર' સમાન છે. સંઘર્ષના દિવસોમાં બંને ભાઈઓ એક જ બાઈક પર મોડી રાત સુધી પ્રોગ્રામ કરવા જતા હતા. આજે પણ ઉદયભાઈના 75 % કામકાજ અને શિડ્યુલનું વ્યવસ્થાપન અજયભાઈ જ સંભાળે છે.
Studio On Wheels | ગુજરાતની લોકસંસ્કૃતિનો બુલંદ અવાજ, Lok Singer Uday Dhadhal ની સાથે ખાસ સંવાદ
Studio On Wheels Interview With Folk Singer Uday Dhadhal
ગુજરાત લોકસંગીતને નવી ઓળખ આપનાર અવાજ
જેમનાં ગીતો પર ઝૂમે છે યુવાનો થી લઈને વડીલો
મંચ પર આવે એટલે માહોલ બની જાય સંગીતમય… pic.twitter.com/890VPDihZH— Gujarat First (@GujaratFirst) March 13, 2026
લોકપ્રિય ગીતો પાછળની પ્રેરણા
તેમના લોકપ્રિય ગીતો પાછળ લોક સંસ્કૃતિ અને પરંપરા જોડાયેલી છે:
વીરને જરી ભરેલા સાફા: આ ગીતના શબ્દો તેમણે માતા પાસેથી સાંભળ્યા હતા, જે કાઠી સમાજમાં લગ્ન પ્રસંગે ગવાતી 'વરજીયું' ની પરંપરામાંથી લેવામાં આવ્યા છે.
તુલસીશ્યામ: ગીરના જંગલોમાં બિરાજતા ભગવાન શ્યામ સુંદર પ્રત્યેનો ભાવ અને શક્તિદાન ચારણની રચનાએ આ ગીતને લોકપ્રિય બનાવ્યું છે.
પરંપરા અને આધુનિકતાનો સમન્વય
ઉદય ધાધલની વિશેષતા એ છે કે તેમણે પરંપરાગત લોકગીતોને 'અર્બન મ્યુઝિક' (નવા જમાનાના સંગીત) સાથે જોડીને રજૂ કર્યા છે. આ નવો પ્રયોગ યુવા પેઢીમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે, જેના કારણે આજે વડીલોની સાથે યુવાનો પણ તેમના સૂર પર ઝૂમી રહ્યા છે.
કાર્યક્રમના અંતે માતૃપ્રેમ વ્યક્ત કરતા તેમણે કવિ બોટાદકરની અમર રચના 'મીઠા મધુ ને મીઠા મેહુલા' ગાઈને સમગ્ર વાતાવરણને ભાવુક કરી દીધું હતું. આમ, સ્વર, સૂર અને સંસ્કૃતિના સંગમ સમાન ઉદય ધાધલ આજે ગુજરાતી લોકસંગીતને એક નવી ઓળખ આપી રહ્યા છે.
આ પણ વાંચો : Studio on Wheels : રીલ્સ નહીં, રિયલ હીરો! જાણો કેવી રીતે Popatbhai Ahir મનોદિવ્યાંગોને આપે છે નવી જિંદગી


