Studio on Wheels: પાટણની 25 વર્ષની યુવતીએ નિરાધાર બાળકો માટે બનાવ્યું 'આપણું ઘર', જલ્પાબેનનું મોટું વિઝન
- 'Studio on Wheels' ની ટીમ પહોંચી ઐતિહાસિક શહેર Patan માં
- પાટણની જલ્પાબેન દેસાઈએ નિરાધાર બાળકો માટે શરૂ કર્યું આપણું ઘર
- 25 વર્ષની યુવતી બની 25 બાળકોની યશોદા મૈયા
- 25,000 બાળકો સુધી પહોંચાડવાનું જલપાબેનનું છે વિઝન
- બાળકો માટે 20-20 કલાક જાગતા જલ્પાબેન
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ ઐતિહાસિક શહેર પાટણ ( Patan) માં પહોંચી હતી. અહીં એક એવી યુવતી સાથે મુલાકાત કરવામાં આવી હતી જેમણે સાબિત કરી દીધું છે કે સમાજ સેવા કરવા માટે મોટી ઉંમર કે અઢળક સંપત્તિ નહીં, પણ માત્ર પ્રબળ ઈચ્છાશક્તિ અને કરુણાની જરૂર હોય છે. આ વાત છે 25 વર્ષીય જલપાબેન દેસાઈની, જેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
'Studio on Wheels' ની ટીમ પહોંચી ઐતિહાસિક શહેર Patan માં
આ વિશેષ મુલાકાતમાં જલ્પાબેને જણાવ્યું કે, તેઓ અગાઉ સારી નોકરી કરતા હતા અને તેમને સિંગિંગનો પણ શોખ હતો. જોબ અને ટ્રાવેલિંગ દરમિયાન હોટલો કે બસ સ્ટેન્ડ પર નાના બાળકોને મજૂરી કરતા કે ભીખ માંગતા જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠતું. તેમના મનમાં એક જ વિચાર આવતો કે ભૂખ્યા પેટે શિક્ષણ ના મળે. આ પીડામાંથી જ આપણું ઘર સંસ્થાનો ઉદય થયો. આ નામ પાછળનો હેતુ એ જ હતો કે નિરાધાર બાળકોને આ જગ્યા પારકી ન લાગે. આ સંસ્થામાં સૌથી પહેલા આર્યન નામના દીકરાએ આશ્રય લીધો હતો.
25 વર્ષની ઉંમરે 25 બાળકોના યશોદા મૈયા
માત્ર 25 વર્ષની ઉંમરે, જ્યારે યુવાનો પોતાની કરિયર અને મોજશોખમાં વ્યસ્ત હોય છે, ત્યારે જલપાબેન 4 થી 10 વર્ષના 25 બાળકોની માતા બનીને તેમની સંભાળ રાખી રહ્યા છે. તેઓ પોતે કહે છે કે, હું આ બાળકો માટે દેવકી નહીં પણ યશોદા મૈયા બનીને આવી છું. બાળકોની સારસંભાળ માટે તેઓ દિવસના 20-20 કલાક જાગતા રહે છે. ભલે તેઓ નવી પેઢીના છે, પણ તેમને આ સેવાના સંસ્કાર પિતા તરફથી વારસામાં મળ્યા છે.
Studio on Wheels
પાટણના સમાજ સેવિકા
જલ્પાબેન દેસાઈ સાથે વિશેષ સંવાદ
જુઓ આજે રાત્રે 9.25 કલાકે#StudioOnWheels #Patan #JalpabenDesai #SocialWork #Inspiration #GujaratNews #PatanCity #ServiceToHumanity #WomenEmpowerment #SpecialInterview #BreakingNews #SocialService pic.twitter.com/W49yoTgywu— Gujarat First (@GujaratFirst) May 13, 2026
ગુરુકુળ પદ્ધતિ અને શૈક્ષણિક ઉછેર
આપણું ઘરમાં બાળકોનો ઉછેર શિસ્તબદ્ધ ગુરુકુળ પદ્ધતિથી થાય છે. બાળકો સવારે 5:30 વાગ્યે ઉઠે છે. સવાર-સાંજ પૌષ્ટિક નાસ્તો અને બે ટાઈમ શુદ્ધ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. બાળકોને નજીકની સરકારી શાળામાં મોકલવામાં આવે છે અને ઘરે જલપાબેન પોતે જ તેમને ટ્યુશન કરાવી શિક્ષણમાં મદદરૂપ થાય છે. અભ્યાસ ઉપરાંત બાળકોમાં રહેલી કળાઓ જેવી કે ડાન્સ, પેન્ટિંગ અને સિંગિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.
પારદર્શિતા અને સામાજિક ટેકો
સંસ્થાના સંચાલનમાં જલપાબેન સંપૂર્ણ પારદર્શિતા જાળવે છે. કોઈપણ નવા બાળકને આશ્રય આપતા પહેલા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની જાણ કરવામાં આવે છે. આ ભગીરથ કાર્યમાં ખેતી કરતા તેમના માતા-પિતા અને સરકારી નોકરી કરતા મિત્રોનો પણ આર્થિક અને નૈતિક ટેકો સાંપડે છે.
ભવિષ્યમાં 25 હજાર બાળકો માટે કામ કરવાની ઈચ્છા
જલપાબેનનો ઉત્સાહ જોતા લાગે છે કે તેઓ અહીં અટકવાના નથી. તેઓ ભવિષ્યમાં નિરાધાર વિધવા બહેનોને રોજગારી મળી રહે તે માટે પણ મક્કમ છે. મુલાકાતના અંતે તેમણે ખૂબ જ હિંમત સાથે કહ્યું કે, અત્યારે 25 બાળકો છે, પણ ભવિષ્યમાં 25 હજાર બાળકો હોય તો પણ મારે આ કામ કરવું છે.


