Studio On Wheels: ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ 'છોટુ'ની સંઘર્ષગાથા જાણી તમારી આંખો ભીની થઈ જશે!
- બનાસકાંઠાના 7 વર્ષના ચેતને સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ!
- નાનું કદ, બુલંદ ઈરાદા, ગરીબીને માત આપીને 'લીટલ સ્ટાર' બન્યો ચેતન
- STUDIO ON WHEELSની ટીમ પહોંચી હતી લીટલ સ્ટારના આંગણે
- ઈન્સ્ટાગ્રામના માધ્યમથી અને ગવાયેલા લોકગીતોના સૂરથી લોકાના દિલ સુધી પહોંચ્યો
Studio On Wheels: બનાસકાંઠાના (Banaskantha) જામરૂ (Jamru) ગામના એક નાના અમથા ઓરડામાંથી ઉઠેલો અવાજ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકોના દિલ સુધી પહોંચી ગયો છે. 'ગુજરાત ફર્સ્ટ'ની STUDIO ON WHEEL ની ટીમ જ્યારે આ બાળ કલાકારના આંગણે પહોંચી, ત્યારે સંઘર્ષ અને સપનાની એક અદભૂત કહાની સામે આવી. જાણો નાનકડા 'લીટલ સ્ટાર' ચેતન તરાલ વિશે વિશેષ અહેવાલ.....
STUDIO ON WHEELSની ટીમ પહોંચી લીટલ સ્ટારના આંગણે
ને બનાસકાંઠાના જામરૂ ગામમાં ઉછરી રહેલો ચેતન તરાલ નાની ઉંમરે ખેતરની વચ્ચે ઊગેલો એક એવો અવાજ કે જેને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી અને ગવાયેલા લોકગીતોના સૂરથી લોકાના દિલ સુધી પહોંચ્યો છે. પારિવારીક આનુવંશિક પ્રક્રિયાને કારણે તેની હાઈટ પણ નાની છેપણ ઈરાદા ચેતનના બુલંદ કઈ દિશામાં છે ? તે જાણવા અને સમજવા જ STUDIO ON WHEELSની ટીમ પહોંચી હતી લીટલ સ્ટારના આંગણે.
નાનું કદ, બુલંદ ઈરાદા, સોશિયલ મીડિયા પર છવાયો બનાસકાંઠાનો 'છોટુ'
"આજુબાજુ બાજરો, બાબા તારો આસરો" અને "જેણા જેણા ઘુઘરા વાગતા"જેવા લોકગીતો લલકારીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર 7 વર્ષનો ચેતન તરાલ આજે કોઈ ઓળખનો મોહતાજ નથી. ચોથા ધોરણમાં અભ્યાસ કરતો ચેતન ભલે કદમાં નાનો હોય, પણ તેના સપના આસમાનને આંબવા માંગે છે. ગરીબી અને શારીરિક મર્યાદાઓને હંફાવીને તે આજે ગુજરાતનો ફેવરિટ 'લીટલ સ્ટાર' બની ગયો છે.
કાચા મકાનમાં પાકા સપના
કહેવાય છે કે સંઘર્ષની ખરી વાર્તાઓ કાચા મકાનોની દીવાલોમાં જ લખાય છે. ચેતનનો પરિવાર અત્યંત સાધારણ સ્થિતિમાં જીવે છે. તેના મમ્મી-પપ્પા ખેતીકામ કરી માંડ ગુજરાન ચલાવે છે. ચેતનનું સપનું છે કે તે મોટો કલાકાર બને અને પોતાના પરિવાર માટે એક મોટું ઘર બનાવે. ચેતન કહે છે, "મને લોકો ઓળખે છે તે ગમે છે, મારે મમ્મી-પપ્પાને આર્થિક રીતે મદદ કરવી છે,મશ્કરી કોઈ કરતું નથી બધા પ્રેમ કરે છે,વીડિયો વાયરલ થશે તો પૈસા મળશે"
શાળામાં પણ લોકપ્રિયતા
ચેતન માત્ર ગાવામાં જ નહીં, પણ ભણવામાં અને મસ્તી કરવામાં પણ મોખરે છે. તેના શિક્ષકો જણાવે છે કે, ચેતન તેના હુનરને કારણે આખા વિસ્તારમાં જાણીતો થયો છે. જોકે, પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી આ ટેલેન્ટને સાચા પ્લેટફોર્મ અને સપોર્ટની જરૂર છે. જો યોગ્ય પ્રોત્સાહન મળે, તો આ આદિવાસી પરિવારનો બાળક કલા જગતમાં મોટું નામ કરી શકે તેમ છે.
સોશિયલ મીડિયાની તાકાત
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોએ ચેતનના જીવનની દિશા બદલી નાખી છે. આજે તેની સાથે ફોટો પડાવવા લોકો પડાપડી કરે છે. કોઈ મશ્કરી કરવાને બદલે તેને અઢળક પ્રેમ આપી રહ્યું છે. ચેતનના મતે, સોશિયલ મીડિયા જ તેનું માધ્યમ છે જેનાથી તે પૈસા કમાઈને તેના માતા-પિતાનું દુઃખ દૂર કરવા માંગે છે.
ગુજરાત ફર્સ્ટનો સંકલ્પ: વિરાસતથી વિકાસ સુધી
'ગુજરાત ફર્સ્ટ'ની ટીમ પોતાના ખાસ અભિયાન STUDIO ON WHEELS હેઠળ 34 જિલ્લાઓમાં 10,000 કિમીની યાત્રા ખેડી રહી છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ચેતન જેવા છુપાયેલા રત્નોને શોધી કાઢવાનો અને ગ્રાઉન્ડ રિયાલિટીને વાચા આપવાનો છે. 90 દિવસના આ પ્રવાસમાં ધર્મ, સંસ્કૃતિ, સ્વાદ અને રાજનીતિની સાથે સાથે આવા માનવીય સંવેદનાના કિસ્સાઓ પણ લોકો સમક્ષ લાવવામાં આવશે.


