Studio on Wheels Vadodara : સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ વડોદરા સેન્ટ્રલ જેલના પરિસરમાં પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત પોલીસના અત્યંત પાવરફુલ અને સંવેદનશીલ અધિકારી એવા વડોદરા સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ IPS ઉષા રાડા (IPS Usha Rada) સાથે એક ગહન સંવાદ સાધવામાં આવ્યો હતો. IPS ઉષા રાડાએ ગુનેગારોને પકડવાથી લઈને જેલના કેદીઓને એક સારા નાગરિક બનાવવા સુધીની તેમની અત્યાર સુધીની સફર અને ગુનાખોરી પાછળના મનોવિજ્ઞાન વિશે તેમણે ચોંકાવનારી વાતો શેર કરી છે.
બદલાતી જવાબદારી અને સેવાની ભાવના
પોલીસ અધિકારી તરીકેનું કામ પહેલાં મેદાનમાં રહીને અપરાધીઓને ઝડપવાનું એક પાવરફુલ પાસું હતું, પરંતુ હવે જેલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેની જવાબદારી એટલી જ મોટી અને અલગ છે. અહીં કેદીઓની સુરક્ષા તેમજ તેમની દેખરેખ રાખી તેમને સન્માનભેર જીવન જીવવા માટે તૈયાર કરવાના છે. IPS ઉષા રાડાના મતે, પોલીસની આ નોકરી પાવરની સાથે-સાથે લોકસેવાની પણ એક મોટી તક આપે છે.
ગુનેગાર કોણ બનાવે છે?
એક ખૂબ જ મહત્વની વાત કરતા તેમણે જણાવ્યું કે, "જન્મથી કોઈ માણસ ગુનેગાર હોતો નથી." મોટાભાગે આસપાસનું નકારાત્મક વાતાવરણ અને જીવનમાં આવેલો માત્ર ૫ મિનિટનો બેકાબૂ ગુસ્સો વ્યક્તિને કાયદાની નજરમાં ગુનેગાર બનાવી દે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો તે ૫ મિનિટ માટે માણસ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લે, તો સમાજમાં ક્યારેય ક્રાઈમની ઘટનાઓ બને જ નહીં.
જેલ નહીં, સુધારા ગૃહ
વડોદરા સેન્ટ્રલ જેલને તેઓ હવે 'સુધારા ગૃહ' તરીકે વિકસાવી રહ્યા છે. કેદી જેલમાંથી મુક્ત થયા બાદ ફરી ક્યારેય ગુનાખોરીના રસ્તે ન જાય અને સમાજમાં એક સારા નાગરિક તરીકે સન્માનભેર જીવી શકે તે માટે અહીં સતત પ્રયાસો થાય છે. વિવિધ NGO ના સહયોગથી કેદીઓને પ્લમ્બિંગ, મહેંદી, ટેલરિંગ, હોટેલ મેનેજમેન્ટ અને નેલ આર્ટ જેવી કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવે છે. સાથે જ શિક્ષણ અને મેડિટેશન દ્વારા તેમના માનસિક પરિવર્તન પર ભાર મૂકવામાં આવે છે.
ખાખી પાછળનો મોટો ત્યાગ
દેશ અને સમાજની સુરક્ષા કાજે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે ત્યાગ આપે છે, તે અદભૂત છે. તહેવારો, રજાઓ અને પરિવારના પ્રસંગોનો હસતા મુખે ત્યાગ કરી તેઓ રાત-દિવસ ફરજ બજાવે છે. ખાખી વર્દી પાછળ છુપાયેલી આ ગર્વભરી કહાની સાંભળીને પોલીસ પ્રત્યેનો આદર વધુ દ્રઢ થાય છે.
અપરાધીઓ પ્રત્યે માનવતાનો દ્રષ્ટિકોણ
IPS ઉષા રાડા માને છે કે અપરાધીઓ પ્રત્યે માત્ર ધિક્કાર રાખવાને બદલે તેમને સુધારવા તે જ સાચો ધર્મ છે. જેલવાસ એ પાપમાંથી પુણ્ય તરફ જવાની એક યાત્રા છે. જો કોઈ કેદી જેલના સુધારાત્મક પ્રોટોકોલ અને વેલફેર પ્રવૃત્તિઓમાં જોડાય, તો તે ચોક્કસપણે પુણ્યશાળી બનીને બહાર આવી શકે છે.
માનસિક શાંતિ માટે મેડિટેશન
પોલીસ વિભાગમાં વધતા તણાવ અને ડિપ્રેશનને જોતા તેમણે મેડિટેશનને અનિવાર્ય ગણાવ્યું છે. પોલીસ જ નહીં, પરંતુ દરેક વ્યક્તિએ માનસિક સંતુલન માટે રોજ 10-15 મિનિટ ધ્યાન કરવું જોઈએ, જેથી જીવનમાં હતાશા આવે જ નહીં અને વ્યક્તિ હંમેશા ઉત્સાહિત રહે.
આ પણ વાંચો: Studio on Wheels Vadodara: સ્પીડફોર્સ EV ના ડિરેક્ટરે ખોલ્યા સફળતાના રહસ્યો, આગામી દાયકો EV સેક્ટર માટે સુવર્ણ યુગ