Studio on Wheels Vadodara: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં પહોંચી હતી. અહીં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે વિશેષ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે શહેરના વિકાસ, આગામી પ્રોજેક્ટ્સ અને વહીવટી કુશળતા અંગે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે 2025 માં ચાર્જ સંભાળ્યા બાદથી શહેરના કાયાપલટ માટે તેમણે કેવા પગલાં લીધા છે, તે અંગે વિગતવાર માહિતી આપી હતી.
વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ અને પૂર નિયંત્રણ
2024 માં આવેલા પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, કમિશનરે જણાવ્યું હતું કે ફરી ક્યારેય આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે 150 દિવસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું ભગીરથ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો સહયોગ મળી રહ્યો છે, સાથે જ નદીમાં રહેતા મગરોની સુરક્ષા માટે પણ વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે.
ગ્રીન સિટી અને જળસંચય
વડોદરાને 'ગ્રીન સિટી' બનાવવાના વિઝન સાથે 42 થી વધુ તળાવોનું બ્યુટીફિકેશન અને જળસંચયની કામગીરી વેગવંતી બની છે. 'મિશન મિલિયન ટ્રી'ની સફળતા બાદ, આ વર્ષે 20 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, શહેરમાં હાલના120 બગીચાઓમાં ઉમેરો કરીને વધુ 14 નવા આકર્ષક ગાર્ડન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
ઇલેક્ટ્રિક બસો અને ગ્રીન એનર્જી
શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે પરિવહન ક્ષેત્રે મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. CNG બસોની જગ્યાએ આગામી દિવસોમાં 250 થી વધુ અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન છે. સાથોસાથ, 'પીએમ સૂર્ય ઘર યોજના'ને પ્રોત્સાહન આપીને સૌર ઉર્જાના વપરાશને વેગ આપવામાં આવી રહ્યો છે.
શિક્ષણ અને હેરિટેજનું જતન
નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ હેઠળની 230 શાળાઓ આજે એક મોડેલ બની ગઈ છે, જ્યાં ખાનગી શાળાઓ છોડીને બાળકો સરકારી શાળાઓ તરફ વળી રહ્યા છે. આગામી સમયમાં 3 હાઈટેક મોડેલ સ્કૂલ બનાવવાનું આયોજન છે. સાથે જ વડોદરાના ઐતિહાસિક હેરિટેજ સ્ટ્રક્ચર્સને તેની અસલી ઓળખ સાથે જાળવી રાખવા માટે પણ તંત્ર પ્રતિબદ્ધ છે.
વહીવટી તંત્રની પારદર્શિતા
ડ્રેનેજ લાઈનોની કામગીરી, સ્વચ્છતા અને નાગરિકોની ફરિયાદોનું ઓન-ધ-સ્પોટ નિરાકરણ લાવવા પર કમિશનરે વિશેષ ભાર મૂક્યો છે. લોકોનો સપોર્ટ અને વહીવટી તંત્રનો સરાહનીય અભિગમ વડોદરાને શ્રેષ્ઠ શહેર બનાવવાની દિશામાં આગળ વધારી રહ્યો છે.
આ પણ વાંચો: Studio On Wheels: ગુનેગારોમાં ફફડાટ અને જનતામાં વિશ્વાસ જગાવનાર Vadodara ના 'સિંઘમ' પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સફળ કામગીરી