Studio on Wheels Vadodara: Gujarat First ના ખાસ કાર્યક્રમ Studio on Wheels માં એક એવા ડૉક્ટર સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમના જીવનની કહાની અત્યંત સંઘર્ષભરી અને યુવાનો માટે પ્રેરણારૂપ છે. પ્રયોશા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ભરતભાઈ પરમાર એક સામાન્ય પરિવારમાંથી આવીને, ભાડાના મકાનમાં રહીને અને માત્ર રુ. 4,000 ના સ્ટાયફન્ડથી શરૂઆત કરીને આજે 50 બેડની અત્યાધુનિક હોસ્પિટલના સ્થાપક બનવા સુધીની તેમની સફર વિશે ખુલીને વાત કરી હતી.
ડૉ. ભરતભાઈ પરમાર શરૂઆતનો સંઘર્ષ
ડૉ. ભરતભાઈનું બાળપણ અને શિક્ષણ જવાહર નવોદય વિદ્યાલયમાં થયું હતું. તેમણે જણાવ્યું કે તેમના પરિવારમાં કોઈ ડોક્ટર નહોતું, પરંતુ તેમના પિતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર ડોક્ટર બને. આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવા છતાં, નવોદય વિદ્યાલયે તેમને ભણતર અને રહેવાની તમામ સગવડો પૂરી પાડી, જેના કારણે તેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા.
માત્ર 4,000 રૂપિયાના માસિક પગારથી નોકરીની શરૂઆત કરી
પોતાની કારકિર્દીની શરૂઆત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, તેમણે માત્ર 4,000 રૂપિયાના માસિક પગારથી નોકરીની શરૂઆત કરી હતી. ડીસાથી વડોદરા આવીને એકલા રહેવું, ઘરકામ જાતે કરવું અને સાથે નોકરી સાચવવી તે ખૂબ જ પડકારજનક હતું. ખાસ કરીને કોવિડ-19 મહામારી દરમિયાન તેમણે જે અનુભવો કર્યા, તે તેમના જીવનનો એક મહત્વનો વળાંક સાબિત થયા.
પ્રયોશા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું વિઝન
પાદરા ખાતે આવેલી આ હોસ્પિટલ 50 બેડની સુવિધા ધરાવે છે. ડૉ. ભરતભાઈએ ભાર મૂક્યો હતો કે તેમની હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા દર્દીઓને પણ ઉત્તમ સારવાર મળે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. હોસ્પિટલમાં લગભગ તમામ મોટી વીમા કંપનીઓ સાથે ટાયઅપ છે, જેથી દર્દીઓને આર્થિક બોજ વેઠવો પડતો નથી. તેમનું માનવું છે કે ડૉક્ટર ભગવાન નથી, પરંતુ શ્રેષ્ઠ પ્રયાસ કરનાર છે.
ભવિષ્યનું આયોજન
ડૉ. ભરતભાઈનું આગામી વિઝન એક એવી હોસ્પિટલ બનાવવાનું છે જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ દરેક વ્યક્તિને સરળતાથી ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે. તેમનું માનવું છે કે સારા વિચારો અને ધગશ સાથે કામ કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. તેમણે કહ્યું કે, દરેક દર્દી પાસે પૈસા હોય તે જરૂરી નથી. જો સારવારનો ખર્ચ વધારે હોય તો દર્દી આર્થિક રીતે હેરાન ન થાય તે માટે તેને સરકારી હોસ્પિટલમાં રિફર કરવાનો પારદર્શક અભિગમ રાખે છે.
અંગત જીવનનો ત્યાગ
પોતાનો પરિવાર 350 કિલોમીટર દૂર ડીસામાં હોવા છતાં, દર્દીઓની સેવામાં વ્યસ્ત રહેતા ડૉક્ટર 6 મહિનામાં માંડ એક જ વાર પોતાના ઘરે જઈ શકે છે. આમ દ્રઢ મનોબળ અને સેવાભાવી વિચારો ધરાવતા ડૉ. ભરતભાએ જીવનમાં ક્યારેય હાર નથી માની.
આ પણ વાંચો: Studio On Wheels Vadodara: સાવલીના ગોઠડા ગામની કાયાપલટ કરી દેનાર મોહમ્મદ અલીભાઈ વિશે જાણો