Surat : રસોડામાં અભ્યાસ કરતા કરતા જ 17 વર્ષીય શ્રીકાંતે ફાંસો ખાધો, એકના એક પુત્રના મોતથી પરિવાર સ્તબ્ધ
- સુરત (Surat ) માં બોર્ડ પરીક્ષાના તણાવમાં વધુ એક મોત
- ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીનો ગળેફાંસો
- નવાગામ ઉમિયા નગરમાં રહેતા છાત્રનો આપઘાત
- 17 વર્ષીય શ્રીકાંત પાટીલે ભર્યું અંતિમ પગલું
- રાત્રે રસોડામાં અભ્યાસ કરતા સમયે ખાધો ફાંસો
- સુરતમાં કરૂણિકા: ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનો પરીક્ષાના ડરથી આપઘાત
Surat News: રાજ્યમાં હાલ જ્યારે બોર્ડની પરીક્ષાઓનો માહોલ જામ્યો છે, ત્યારે સુરત (Surat ) ના ડીંડોલી વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં (Exam Stress) આવી જઈને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરત (Surat) માં બોર્ડ પરીક્ષાના તણાવમાં વધુ એક મોત
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સુરતના નવાગામ ડીંડોલી (Dindoli) વિસ્તારમાં આવેલી ઉમિયા નગરમાં રહેતા પ્રહલાદ પાટીલ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 17 વર્ષીય પુત્ર શ્રીકાંત પાટીલ (Shrikant Patil) ઉધનાની બચકાનીવાલા વિદ્યામંદિરમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે રાત્રે શ્રીકાંત રસોડામાં બેસીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, શનિવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જ્યારે પિતા જાગ્યા ત્યારે તેમણે રસોડામાં પંખા સાથે પુત્રને લટકતી હાલતમાં જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ (Surat Police) સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રીકાંત અભ્યાસમાં તેજસ્વી હતો પરંતુ બોર્ડની પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયથી માનસિક દબાણમાં હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો છે. એકના એક પુત્રના ગુમાવવાથી પાટીલ પરિવાર ભાંગી પડ્યો છે. નિષ્ણાતોના મતે, વાલીઓએ પરીક્ષા સમયે બાળકો સાથે વાતચીત કરી તેમનું મનોબળ વધારવું અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો : Navsari : ચાલુ બસે ડ્રાઈવર ફોન પર વાત કરતો હતો અને સર્જાયો અકસ્માત, 11 ઘાયલ


