શેરમાર્કેટમાં રોકાણ કરી ત્રણ ગણા નફાની લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ
સુરતના બેંક મેનેજરને શેર માર્કેટમાં રોકાણ કરવાનું કહીને પહેલા 13 લાખનું રોકાણ કરાવ્યા બાદ તેમાં નુકસાન જતા નુકસાની પરત અપાવવા માટે બેંક મેનેજરના એકાઉન્ટમાંથી અઢી લાખ રૂપિયા લઈને છેતરપિંડી કરનાર ગેંગના ચાર સભ્યોને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. બેન્ક મેનેજરને શેર માર્કેટમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને દસ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરાવ્યું હતું. જેમાં નુકસાન ગયા બાદ આ ચાર પૈક
06:15 AM Sep 07, 2022 IST
|
Vipul Pandya
સુરતના બેંક મેનેજરને શેર માર્કેટમાં રોકાણ કરવાનું કહીને પહેલા 13 લાખનું રોકાણ કરાવ્યા બાદ તેમાં નુકસાન જતા નુકસાની પરત અપાવવા માટે બેંક મેનેજરના એકાઉન્ટમાંથી અઢી લાખ રૂપિયા લઈને છેતરપિંડી કરનાર ગેંગના ચાર સભ્યોને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. બેન્ક મેનેજરને શેર માર્કેટમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને દસ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરાવ્યું હતું. જેમાં નુકસાન ગયા બાદ આ ચાર પૈકી એક ઇસમે નુકસાન નું વળતર મેળવવા માટે એક લિંક મોકલી હતી. જેના થકી અઢી લાખ રૂપિયાનું ફરીથી રોકાણ કરાવીને 2.22 લાખનું નુકશાન કરાવ્યું હતું અને છેતરપિંડી કરી લીધી હતી. જે બાબતે બેંક મેનેજર એ સુરત સાયબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં રહેતા બેંક મેનેજરને એક whatsapp કોલ આવ્યો હતો. જેમાં સામે છેડે અંકિત પટેલ નામનો વ્યક્તિ દલાલ સ્ટ્રીટ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું અને શેર બજારમાં ફ્યુચર ઓપ્શનમાં રોકાણ કરવાથી ત્રણ ગણો નફો મળશે અને આ નફો 100% ગેરંટી સાથે તમને મળશે તેવી લોભામણી લાલચ આપી હતી. જેથી આ પ્રકારની લોભામણી વાતોમાં આવી જઈને બેંક મેનેજર એ 13 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં શેર માર્કેટમાં કઈ રીતે રોકાણ કરવું તે બાબતોની ટિપ્સ આપીને બેંક મેનેજરને 13 લાખ રૂપિયા નું નુકસાન કરાવ્યું હતું. ત્યારબાદ શેર માર્કેટમાં થયેલા નુકસાનના વળતર માટે એક લિંક મોકલવામાં આવી હતી. જે અંગે જણાવવામાં આવ્યું હતું કે અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાથી તમારું થયેલું નુકસાન પરત મળી જશે. જેથી લિંક મારફતે અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ તેમાંથી 2.22 લાખ રૂપિયાનું નુકસાન ફરી એકવાર કરાવ્યું હતું. જેથી બેંક મેનેજરે છેતરાયા હોવાનો અહેસાસ થતાં સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરત સાયબર સેલને મળેલી ફરિયાદના આધારે સાયબર સેલ દ્વારા તપાસ આરંભ કરવામાં આવી હતી જેમાં સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા બે ભાઈઓ ચેતન અને હિરેન ધોકીયાનું પગેરું મળ્યું હતું. આ બંનેની તપાસ કરતા તેમની સાથે અન્ય બે લોકોની પણ સંડોવણી બહાર આવી હતી. આ ચારે દ્વારા લોકોને કોલ કરી ને શેર માર્કેટમાં રોકાણ કરવા માટે અને વધુ નફો મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી. રોકાણ કરાવ્યા બાદ તેમણે નુકશાન કરાવવામાં આવતું હતું અને નુકશાનના વળતર પેટે રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગુનામાં ચેતન અને હિરેનની સાથે સૌરભ દુબે અને અનિતા ચોવટીયા નામની મહિલા પણ સંડોવાયેલી હતી. સાયબર સેલ દ્વારા તપાસ દરમ્યાન મુખ્ય આરોપીઓ હિરેન અને ચેતન ના ઘરે દરોડા પાડવામાં આવતા તેમની પાસેથી 34 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
સુરત સાયબર સેલે આ ચારેવ આરોપીઓની ધરપકડ કરીને હાલ પૂછપરછ શરૂ કરી છે. અગાઉ તેમના દ્વારા અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપીંડી કરવામાં આવી છે અને તેમની પાસેથી મળી આવેલ રોકડા 34 લાખ ક્યાંથી આવ્યા તે બાબતે તપાસ ચાલુ છે.
Next Article