Surat માંથી વધુ 3 ઝોલાછાપ તબીબ સામે કાર્યવાહી, 2 ની ધરપકડ
- Surat માં બોગસ તબીબોની ધરપકડનો સિલસિલો હાલ પણ યથાવત
- પાંડેસરા બાદ હવે ખટોદરા પોલીસે વધુ 3 ઝોલાછાપ તબીબ સામે કાર્યવાહી કરી
- પોલીસે 3 પૈકી 2 ઝોલાછાપ તબીબની કરી ધરપકડ, તપાસ હાલ પણ ચાલુ
સુરતમાં (Surat) બોગસ તબીબોની ધરપકડનો સિલસિલો હાલ પણ યથાવત છે. શહેરનાં પાંડેસરા બાદ હવે ખટોદરા પોલીસે વધુ 3 ઝોલાછાપ તબીબ સામે કાર્યવાહી કરી 2 ની ધરપકડ કરી છે. ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનારા મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, બી.કે. રાવત અને ઈરફાન હાલ સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. તેમની પૂછપરછમાં એક પછી એક નામ સામે આવી રહ્યા છે. ખટોદરા પોલીસે અલગ-અલગ 3 સ્થળ પર આવેલ ક્લિનિકમાં રેડ પાડી 2 ઝોલાછાપ તબીબની (Bogus Doctors) ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય ક્લિનિક પરથી એલોપેથીની દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે.
બોગસ મેડિકલ સર્ટિ. બનાવી આપનારા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા
સુરત (Surat) શહેરમાં પાંડેસરા પોલીસે ઝડપી પાડેલા ઝોલાછાપ તબીબોની તપાસમાં રાજ્યવ્યાપી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાનાં રેકેટનો પર્દાફાશ થયો હતો. જે રેકેટમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપતા સુરતનાં રસેશ ગુજરાતી, અમદાવાદનાં (Ahmedabad) બી.કે. રાવત અને ઇરફાન નામનાં ઇસબની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણેયની પૂછપરછમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા હમણાં સુધી 1200 થી પણ વધુ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાની કબુલાત આરોપીઓએ કરી છે. જે તમામનું એનાલિસિસ કરી પોલીસ દ્વારા એક બાદ એક બોગસ મેડિકલ પ્રેક્ટિસ (Bogus Medical Certificate) કરતા ઝોલાછાપ તબીબોને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં વધુ 240 ASIને PSI તરીકે બઢતી, ચાલુ વર્ષે કુલ 6770 કર્મચારીઓને પ્રમોશન મળ્યું
ખટોદરા પોલીસે વધુ 3 પૈકી 2 ઝોલાછાપ તબીબની ધરપકડ કરી
ખટોદરા પોલીસે સુરતમાં આઝાદનગર, ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલા અલગ-અલગ ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી, જેમાં આઝાદનગર ખાતે આવેલા વિનાયક ક્લિનિક, ભટારમાં બિલાલ મસ્જિદ પાસે આવેલ ચક્રવર્તી ક્લિનિક અને અલ્થાન રોડ પર આવેલા અરુણકુમાર પદ્માવ નાયક ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથીની દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને જોડે રાખી કરેલી આ કાર્યવાહી દરમિયાન ઝોલાછાપ તબીબ યમુના પ્રસાદ સીતલાપ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક અને ડોક્ટર અરુણકુમાર પદ્માવ નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધી હાલ 2 લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો - GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, 15 દિવસમાં કરાશે વર્ગ 1-2ની ભરતીની જાહેરાત
ત્રણ મુખ્ય આરોપી લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ
પોલીસ તપાસમાં આ ઝોલાછાપ તબીબોને (Bogus Doctors) બોગસ મેડિકલ સર્ટિફિકેટ ડોક્ટર બી.કે. રાવત, રસેશ ગુજરાતી અને ઈરફાન દ્વારા રૂપિયા લઈ બનાવી આપવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રો હોમીઓપેથીની Bems ની બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપવાનાં આ કેસમાં ઝોલાછાપ તબીબોનાં આકા રસેશ ગુજરાતી સહિત 3 આરોપીઓની સંડોવણી આવી હતી. જે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મહત્ત્વનું છે કે બોગસ તબીબ અને મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાનાં રેકેટ હેઠળ ખટોદરા પોલીસ દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. જે આકાઓનાં નામો સામે આવ્યા છે, તે હાલ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાના રેકેટમાં સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. જે આરોપીઓનો કબજો સુરતની ખટોદરા પોલીસ આગામી દિવસોમાં મેળવે તેવી શક્યતા રહેલી છે. જ્યારે, આ કેસમાં એક અન્ય ઇસમની સંડોવણી બહાર આવતા તેને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે.
અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો - Junagadh: શ્રી ભવનાથ મહાદેવ મંદિરની જમીનનો ફરી વિવાદ વકર્યો, નવા મહંત નિયુક્તિ માંગ