Gujarat: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના જન્મ દિવસે અંબાજીથી સુરત AC વોલ્વો બસની શરુઆત
- વોલ્વો બસનું પુજન અર્ચન કરીને વિધિવત પ્રારંભ કરાયો
- અંબાજીના લોકોમાં અને બહારથી આવતા ભક્તોમાં ભારે ખુશી જોવા
- બસની પૂજા કર્યા બાદ બસ બપોરે 3:30 કલાકે સુરત માટે રવાના થઈ
શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છેલ્લું એસટી ડેપો છે, ત્યારે અંબાજી ખાતે અન્ય ડેપો અને અન્ય જિલ્લાથી અલગ-અલગ રૂટની બસ આવતી હોય છે, પરંતુ સૌથી નવાઈની વાત એ હતી કે અત્યાર સુધી એકપણ વોલ્વો બસ અંબાજી આવતી ન હતી, ત્યારે આજે ગુજરાતનાં વાહન વ્યવહાર મંત્રીના જન્મ દિવસે જ અંબાજીથી સુરત એસી વોલ્વો બસની શરુઆત થઈ હતી.
મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત પૂજન અર્ચન કરીને બસનો પ્રારંભ કરવામાં આવ્યો
અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત પૂજન અર્ચન કરીને બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને અંબાજી એસટી ડેપો મેનેજર સહિત વિવિધ લોકો જોડાયા હતા. બસના ડ્રાઇવર પ્રતિક વ્યાસનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી એસટી ડેપોની વાત કરવામાં આવે તો આ એસટી ડેપો છેલ્લા ચાર વર્ષથી હંગામી ધોરણે ચાલી રહ્યો છે, કારણ કે આ બસ ડેપોને છેલ્લા ચાર વર્ષ અગાઉ તોડવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી નવીન એસટી બસનું બિલ્ડીંગ બન્યું નથી.
અંબાજીથી સુરત નવીન એસી વોલ્વો બસ આવી પહોંચી
ત્યારે આ હંગામી એસટી ડેપો પણ થોડા દિવસો બાદ જૂની કોલેજ ખાતે ખસેડવામાં આવશે તે અગાઉ આજરોજ બપોરે 3 કલાકે અંબાજી એસટી ડેપો મેનેજર કે.પી. ચૌહાણ અને ડેપોના સ્ટાફ લોકોની હાજરીમાં અંબાજીથી સુરત નવીન એસી વોલ્વો બસ આવી પહોંચી હતી. અંબાજી મંદિરના બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત પૂજન અર્ચન દ્વારા બસની પૂજા કર્યા બાદ બસ બપોરે 3:30 કલાકે સુરત માટે રવાના થઈ હતી અને આ બસ રાત્રિના 1:30 કલાકે સુરત ખાતે પહોંચશે, અત્યાર સુધી અંબાજી ખાતે સ્લીપર અને એસી બસ ચાલતી હતી. પરંતુ પ્રથમ વખત એસી વોલ્વો બસ સીટીંગ શરૂ થતા અંબાજીના લોકોમાં અને બહારથી આવતા ભક્તોમાં ભારે ખુશી જોવા મળી હતી.
આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ
આજે ગુજરાત સરકારના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ હોવાથી આજથી અંબાજીથી સુરત એસી વોલ્વો બસ શરૂ થઈ હતી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું ગામ પણ સુરત છે અને તેઓ મૂળ બનાસકાંઠા ગામના વતની છે. નવીન એસટી બસ ડેપો આગામી દિવસોમાં જૂની કોલેજ ખાતે હંગામી ધોરણે શરૂ થશે અને નવીન એસટી ડેપો બિલ્ડીંગ આગામી દિવસોમાં જૂની કોટેજ હોસ્પિટલ ખાતે બનવાની શરૂઆત થવાની છે.
અહેવાલ: શકિતસિંહ રાજપુત, અંબાજી
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં HMPV વાયરસના કેસ વધ્યા, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું