Surat : સરકારી શાળા એવી કે વાલીઓની એડમિશન માટે શરૂ થઇ દોટ!
- સુરતની સરકારી શાળામાં એડમિશન માટે લાઇનો લાગી
- ફી થી બચવા વાલીઓની સરકારી શાળા તરફ દોડ !
- ખાનગી શાળાને ગુડબાય – વાલીઓનો વિશ્વાસ સરકારી શાળામાં!
Surat : સરકારી શાળા કરતા ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવાનો મોહ રાખતા વાલીઓ માટે સુરતના મોટા વરાછા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમીતિની શાળા ઉમદા દાખલારૂપ બની છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, ત્યારે આ શાળામાં પોતાના બાળકોને શિક્ષણ અપાવવા શાળામાં 600 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 4 હજારથી 5 હજાર એડમિશન ફોર્મ વાલીઓ દ્વારા ભરવામાં આવ્યા છે. જ્યાં શાળાના આચાર્ય દ્વારા ડ્રો કરી એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાનગી શાળાઓમાં વસૂલવામાં આવતી તગડી ફીમાંથી છૂટકારો મેળવવા વાલીઓ સરકારી શાળા તરફ વળી રહ્યા છે.
સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની દોટ!
આમ તો કેટલાક વાલીઓમાં એક ધારણા ચાલી આવી છે કે, સરકારી શાળાઓમાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. પરંતુ વાલીઓની આ ધારણા હવે ખોટી નીવડી રહી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોને શિક્ષણની સાથે તેઓનું યોગ્ય ઘડતર અને સિંચન પણ કરવામાં આવે છે. જેને લઈ અહીં ક્ષમતા કરતા વધુ વિધાર્થીઓના એડમિશન માટે વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. મોટા વરાછા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 334 અને 346 આવેલી છે. જે શાળામાં બાળ વાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વર્ગો ચાલે છે. જે શાળા બે પાળીમાં હાલ ચાલે છે. આ શાળામાં એડમિશન મેળવવા માટે વાલીઓનો મોટો ઘસારો છે. શાળામાં ઉચ્ચ સ્તરના શિક્ષણની સાથે સારા સંસ્કાર તેમજ બાળકોનું સિંચન પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે, જેના કારણે પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ અપાવવા વાલીઓએ દોટ મૂકી છે. શાળામાં 600 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 4 હજારથી 5 હજાર જેટલા પ્રવેશ ફોર્મ વાલીઓ દ્વારા ભરવામાં આવ્યા છે. જેના કારણે શાળાએ નાછૂટકે ડ્રો દ્વારા પ્રવેશ આપવાની હવે ફરજ પડી રહી છે.
સરકારી શાળામાં એડવાન્સ શિક્ષણ
મોટા વરાછા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળામાં પ્રોજેક્ટર અને લેપટોપની મદદથી નિષ્ણાત શિક્ષકો દ્વારા ઓનલાઈન વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. જેના કારણે શાળામાં જ અભ્યાસ કરાવતા શિક્ષકોએ પણ પોતાના બાળકોનો પ્રવેશ આ શાળામાં કરાવ્યો છે. સરકારની યોજના હેઠળ આ શાળામાં ઉચ્ચ શિક્ષણ સાથે બાળકોનું ઘડતર પણ સારી રીતે કરવામાં આવે છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો જાતે આ શાળાની વ્યવસ્થાના પગલે પ્રભાવિત છે. જેથી તેઓએ પણ પોતાના બાળકોને આ શાળામાં પ્રવેશ અપાવી ઉચ્ચ શિક્ષણ અપાવી રહ્યા છે.
ખાનગી શાળાને ટક્કર આપતી સરકારી શાળા!
શાળાના આચાર્ય ચેતન હીરપરાના જણાવ્યાનુસાર મોટા વરાછાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળા અન્ય ખાનગી શાળા સામે એક રોલ મોડલ બની સામે આવી છે. જે વાલીઓ ખાનગી શાળામાં જ પોતાના બાળકોને અભ્યાસ કરાવવાની ધારણા રાખતા હોય છે, તેવા વાલીઓ માટે આ એક સંદેશરૂપ શાળા બની રહી છે. શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ, સ્કોલરશીપ, અભ્યાસ માટેના સુવ્યવસ્થિત સાધનો ઉપરાંત અલગ વાતાવરણ અહીં મળી રહેવાના કારણે લોકો સરકારી શાળા તરફ વધુ વળી રહ્યા છે. જેમાં ગુજરાતમાં એકમાત્ર સુરતની આ શાળા હશે, જ્યાં ક્ષમતા કરતા વધુ અંદાજિત 5 હજાર જેટલા પ્રવેશ ફોર્મ આવ્યા છે. પરંતુ શાળાની ક્ષમતા માત્ર 600 હોવાના કારણે ડ્રો મારફત પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સરકારી શાળા બની ખાનગી શાળાનું વિકલ્પ!
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં જ અભ્યાસ કરાવવા માટેની ખેવના રાખતા હતા, પરંતુ હવે સરકારી શાળાઓમાં પણ ખાનગી શાળાઓની જેમ ઉચ્ચ શિક્ષણની સાથે યોગ્ય સુવિધા મળી રહેતા વાલીઓ સરકારી શાળા તરફ વળી રહ્યા છે. જે સુરતના મોટા વરાછા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા અન્ય શાળાઓની સરખામણીએ એક રોલ મોડલ ગણી શકાય છે. વાલીઓ ખાનગી શાળામાંથી ઉઠાવી પોતાના બાળકોને આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. જો કે શાળામાં બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે. જ્યાં સુરતની આ સરકારી શાળા ખાનગી શાળાનો સામે એક રોલ મોડલ બનીને સામે આવી છે. જે સુરત મહાનગરપાલિકા માટે પણ ગર્વ સમાન બાબત છે.
અહેવાલ - રાકેશ બ્રહ્મભટ્ટ
આ પણ વાંચો : Surat : ખાનગી શાળાની મનમાની! RTE હેઠળ પ્રવેશ બાદ પણ માગી રૂ.70 હજારની ફી!