Gujarat Bomb Threat News: રાજ્યમાં રથયાત્રાના પવિત્ર પર્વની ઉજવણીનો માહોલ છે, તેવા સમયે જ અસામાજિક તત્વો દ્વારા રાજ્યભરમાં ભયનું વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરત અને ભરૂચ બાદ હવે રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ આ પ્રકારની ધમકી મળતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
રાજપીપળામાં સઘન તપાસ અને રાહત
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DYSP) રાજેન્દ્ર દેવધા, રાજપીપળા ટાઉન પી.આઈ. ગામિત અને એસ.ઓ.જી. (SOG) પી.આઈ. વાળા સહિતની પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
સાવચેતીના ભાગરૂપે કચેરીઓમાં કામગીરી બંધ કરાવીને બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા ઈમારતના ખૂણે-ખૂણે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયની તપાસ બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસ તંત્ર અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ પોસ્ટ ઓફિસની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.
સુરત અને ભરૂચમાં પણ સતર્કતા
બીજી તરફ, સુરતની નાનપુરા પોસ્ટ ઓફિસને પણ આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અઠવા પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમોએ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં બે દિવસ અગાઉ પણ કોર્ટને આ પ્રકારની ધમકી મળી હતી.
આ તરફ ભરૂચ જિલ્લામાં 6 રથયાત્રાઓનું આયોજન છે, જેને અનુલક્ષીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. ભરૂચ જિલ્લામાં ૫ ડિવાયએસપી, 19 પી.આઈ. અને 46 પી.એસ.આઈ. સહિત કુલ 1,662 પોલીસ જવાનોનો કાફલો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા સઘન તપાસ
રથયાત્રા જેવા ઉત્સવના માહોલ વચ્ચે સતત મળી રહેલી આ ધમકીઓને પગલે સાયબર ક્રાઈમ અને ગુપ્તચર એજન્સીઓ ધમકી આપનાર ઈ-મેઈલના સ્ત્રોત સુધી પહોંચવા માટે આક્રમક તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: Surat News: સુરતનું કામરેજ બન્યું નકલી વસ્તુઓનું હબ, વધુ એક નકલી ઘીનું કારખાનું ઝડપાયું