નર્મદા ડેમ 65 ટકા ભરાયો, 24 કલાકમાં સપાટી 24 સેમી વધી
નર્મદા (Narmada) જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઉપરવાસના વરસાદને કારણે સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 126.43 મીટર પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 24 સેન્ટીમીટરનો (24 CM) વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી અત્યારે 50,616 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે, જેના કારણે આખો ડેમ હાલમાં 65 ટકા સુધી ભરાઈ ચૂક્યો છે. આ જળરાશિ વધતા આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે.
બીજી તરફ સુરત (Surat) જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક યથાવત છે. ઉકાઈ ડેમની વર્તમાન જળ સપાટી 308.76 ફૂટ પર પહોંચી છે, જે તેના નિર્ધારિત રૂલ લેવલ 333 ફૂટ કરતાં હજુ નીચે છે. ડેમમાં હાલ 6,293 ક્યુસેક પાણીની આવક સામે માત્ર 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કાકરાપાર વિયરની (Kakrapar Weir) સપાટી 160.60 ફૂટ નોંધાતા ત્યાંથી 3,300 ક્યુસેક પાણી ઓવરફ્લો (Overflow) થઈ રહ્યું છે.
ધારી ગીરના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાયા, 40 ગામડા એલર્ટ
અમરેલી (Amreli) જિલ્લાના ધારી ગીર (Dhari Gir) પંથકમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ (Khodiyar Dam) 90 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સપાટી જાળવી રાખવા માટે તેના 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ખોડિયાર ડેમમાં હાલ 31,950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના દરવાજા ખુલતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા 40 થી વધુ ગામોને હાઈ એલર્ટ (High Alert) પર મૂકવામાં આવ્યા છે.
ઉનાનો રાવલ ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમ છલકાયા
ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના (Una) તાલુકામાં આવેલા રાવલ ડેમમાં (Raval Dam) પણ પાણીની પ્રચંડ આવક થઈ છે. ગીર જંગલના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે રાવલ ડેમના તમામ 6 દરવાજા 5 ફૂટ (1.22 મીટર) સુધી ખોલી દેવાયા છે. રાવલ નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ છે અને ગીર ગઢડાના (Gir Gadhada) 7 તેમજ ઉનાના 11 ગામોને સાવધ કરાયા છે.
આ ઉપરાંત અમરેલીના રાજુલામાં (Rajula) ધાતરવડી-1 ડેમ (Dhatarwadi-1 Dam) સંપૂર્ણ ઓવરફ્લો થયો છે, જ્યારે ધાતરવડી-2 ડેમમાં (Dhatarwadi-2 Dam) પાણીની ભારે આવકને કારણે તેના 20 દરવાજા 0.90 મીટર સુધી ખોલીને 52,220 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદી-નાળા અને વહેતા પાણીથી દૂર રહેવા કડક અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહેસાણામાં કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના: કબ્રસ્તાનની દીવાલ ધરાશાયી થતાં એક બાળકનું મોત, 5નો બચાવ