Surat: સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવતા ઉંદરો! નાયબ નિયામકે શું આપ્યો જવાબ?
- Surat: સમરસ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન પીરસવાનો મામલો
- સમાજ કલ્યાણ અધિકારી સમરસ હોસ્ટેલ પહોંચ્યા
- જીવાતવાળા ભોજનની ફરિયાદને લઈને નાયબ નિયામકનું નિવેદન
Surat Samaras Hostel: દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન સમરસ હોસ્ટેલ (Samaras Hostel) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. 10 ન્યુઆરીની મોડી રાત્રે હોસ્ટેલમાં પીરસવામાં આવતા ભોજન (Meal) માં જીવાત (Insect) અને જીવતા ઉંદરો (Rats) જોવા મળતા વિદ્યાર્થીઓ (Students) નો રોષ ફાટી નીકળ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ હોસ્ટેલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવી વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
ભોજનમાં ઉંદર, આરોગ્ય સાથે ચેડાં
છેલ્લા ઘણા સમયથી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા બાબતે અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ ગઈકાલે રાત્રે મર્યાદાની પરાકાષ્ઠા આવી ગઈ જ્યારે પીરસવામાં આવેલા શાક અને સલાડમાંથી ઈયળો, મકોડા અને અન્ય જીવાતો મળી આવી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે હોસ્ટેલના રસોડા અને ભોજન વિસ્તારમાં જીવતા ઉંદર ફરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, જે ભોજન તેમને પૌષ્ટિક આહારના નામે આપવામાં આવે છે, તે વાસ્તવમાં બીમારીઓનું ઘર છે.
સુવિધાઓના નામે મીંડું: વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ
માત્ર ભોજન જ નહીં, પરંતુ હોસ્ટેલમાં પાયાની સુવિધાઓનો પણ સદંતર અભાવ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના આરોપ છે કે, હોસ્ટેલમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, સાફ-સફાઈના ઠેકાણા નથી અને મેઈન્ટેનન્સના અભાવે બિલ્ડિંગની હાલત પણ કથળી રહી છે. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશાસન મૌન ધારણ કરીને બેઠું હતું, જેના કારણે આખરે વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હતો.
Surat: નાયબ નિયામકનું નિવેદન
ઘટનાની ગંભીરતાને જોતા સમાજ કલ્યાણ અધિકારી અને નાયબ નિયામક તાત્કાલિક હોસ્ટેલ દોડી આવ્યા હતા. જોકે, અધિકારીઓના નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. નાયબ નિયામકે જણાવ્યું હતું કે, "હોસ્ટેલમાં ભોજન અંગે પ્રોપર રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે. ABVPના કાર્યકરોએ ફરિયાદ કરી છે, પરંતુ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તરફથી આવી કોઈ ફરિયાદ મળી નથી." તંત્રએ આ મામલે પાયાવિહોણો બચાવ કરતા કહ્યું કે, ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં, વિદ્યાર્થીઓની માંગ મુજબ નવા ગાદલાની વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
ઉંદરવાળું ભોજન પીરતાં અનેક સવાલો
સરકાર દ્વારા કરોડોના ખર્ચે ચાલતી આ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં સામે હવે મોટા સવાલો ઉભા થયા છે. એક તરફ રાજ્ય સરકાર યુવાનોના સર્વાંગી વિકાસની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઉંદરવાળું ભોજન પીરસાય તે અત્યંત શરમજનક બાબત છે. શું તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat: બંધ કંપનીમાં આગ કેવી રીતે લાગી? પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કે કંઈ બીજું?


