Surat: "મેં મારું કામ કરી નાખ્યું" પત્નીની હત્યા બાદ પિતાએ પુત્રને કર્યો કોલ, જાણો હચમચાવતી ઘટના
- Surat Murder Case: ઘર કંકાસમાં પત્નીની પતિએ કરી હત્યા
- માથા અને કપાળના ભાગે લોખંડના હથોડા માર્યા
- હત્યા કેસમાં હત્યારા પતિની ધરપકડ
Surat Murder Case: સુરત શહેરના શાંત ગણાતા અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલા આનંદ મહેલ રોડ (Anand Mahal Road) પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી સન રેસીડેન્સી (Sun Residency) માં રહેતા એક નિવૃત સિવિલ એન્જિનિયરે (Retired Civil Engineer) પોતાની જ પત્નીની લોખંડના હથોડોના ફટકા મારી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના 27 ફેબ્રુઆરીના રોજ બની હતી, જેમાં ઘર કંકાસ ચરમસીમાએ પહોંચતા પતિએ આ ખૌફનાક પગલું ભર્યું હતું.
Surat Murder Case: પત્નીની ઘાતકી હત્યા
મૃતક મહિલાની ઓળખ 54 વર્ષીય તૃપ્તિ પટેલ (Trupti Patel) તરીકે થઈ છે. તેમના જ પતિ દિનેશ પટેલે (Dinesh Patel) વારંવાર થતા ઘરકંકાસથી કંટાળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, દંપતી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આવેશમાં આવી દિનેશ પટેલે ઘરમાં પડેલો લોખંડનો હથોડો (Iron Hammer) ઉઠાવી પત્નીના માથા અને કપાળના ભાગે ઉપરા-ઉપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે તૃપ્તિ પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
Surat Murder Case: હત્યા બાદ પુત્રને કોલ કર્યો
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કર્યા બાદ દિનેશ પટેલે પોતાના પુત્ર કૃણાલ પટેલને (Krunal Patel) ફોન કર્યો હતો. ફોન પર પિતાએ ઠંડા કલેજે કહ્યું કે, "મેં મારું કામ કરી નાંખ્યું છે." પિતાના આવા શબ્દો સાંભળી પુત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કૃણાલ તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો, જ્યાં તેણે પોતાની માતાને લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં જોઈ હતી. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસ (Adajan Police) નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પુત્ર કૃણાલ પટેલની ફરિયાદના આધારે પોલીસે તેના પિતા દિનેશ પટેલ વિરુદ્ધ આઈપીસી (IPC) ની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યા બાદ ફરાર થઈ ગયેલા નિવૃત એન્જિનિયર દિનેશ પટેલની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ (Arrest) કરી લીધી છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ Surat: કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ, દુબઈ સુધી કનેક્શન, આ રીતે થયો ઘટસ્ફોટ
આ પણ વાંચોઃ Junagadh: પોલીસ ભરતીની પરીક્ષામાં નાપાસ થતાં 21 વર્ષિય યુવતીએ ફાંસો ખાધો


