ચૈતર વસાવા બેફામ બોલે તો પણ દર્શનાબેન જવાબ આપતા નથી: Mansukhbhai Vasava
- Narmada: નર્મદામાં ભાજપના જ 2 દિગ્ગજ નેતા આવ્યા આમને સામને!
- સાંસદ Mansukhbhai Vasava અને MLA દર્શનાબેન દેશમુખ વચ્ચે જાહેરમાં જંગ
- ફરી એકવાર મનસુખભાઈ વસાવાએ દર્શનાબેન પર કર્યા આક્ષેપો
- "કેવડિયાના ગરૂડેશ્વર વિસ્તારમાં કેટલાક ગેરકાયદે બાંધકામ થયા"
- "પોતાના મત વિસ્તારનો આ મુદ્દો કેમ દર્શનાબેન ઉઠાવતા નથી"
- "કેટલાક રાજકીય નેતાએ ગેરકાયદે બાંધકામમાં દોઢ કરોડનો તોડ કર્યો"
Narmada:નર્મદા જિલ્લા ભાજપના બે દિગ્ગજ નેતાઓ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ (Darshanaben Deshmukh) વચ્ચેનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદની શરૂઆત 7 ડિસેમ્બરે થઈ હતી, જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવા (MP Mansukhbhai Vasava) એ એક નનામા પત્રને આધાર બનાવીને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આડકતરી રીતે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
સાંસદના આ આક્ષેપો બાદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો મનસુખભાઈ વસાવા ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત નહીં કરી શકે, તો તેઓ તેમની સામે માનહાનિનો દાવો કરશે. દર્શનાબેને કોર્ટમાં જવાની તૈયારી પણ બતાવી છે.
મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી: દર્શનાબેનનો આક્રોશ
સાંસદના આક્ષેપો અને સતત થઈ રહેલા નિવેદનોથી નારાજ થયેલા દર્શનાબેન દેશમુખે પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું કે મનસુખભાઈ વસાવા તેમને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી. ધારાસભ્ય બન્યા ત્યારથી જ મનસુખ વસાવા તેમના પર આક્ષેપો કરતા આવ્યા છે અને તેમની વિરુદ્ધ "બેફામ વાણી વિલાસ" કરે છે.
"હું પણ ભાજપની જ દીકરી છું"
દર્શનાબેને ઉમેર્યું હતું કે, "હું પણ ભાજપની જ દીકરી છું, તો એક સિનિયર સાંસદ તરીકે આવો વાણી વિલાસ ના કરવો જોઈએ." તેમણે કહ્યું કે તેમની પાસે પણ આવા નનામા પત્રો આવે છે, પણ તેઓ તેને કચરામાં નાખી દે છે અને તેના પર કોઈ ટિપ્પણી કરતા નથી. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે જો હવે મનસુખભાઈ વસાવા કઈ બોલશે, તો તેમણે પણ જવાબ આપવો પડશે. આ મામલે તેમણે પ્રદેશ સ્તરે રજૂઆત પણ કરી હોવાનું જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ શરૂઆતમાં ડો. દર્શનાબેન દેશમુખ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ધરણાં પર બેસવાના હતા. જોકે, પ્રદેશ નેતૃત્વ તરફથી મળેલી સૂચના બાદ તેમણે આ ધરણાં કાર્યક્રમ રદ કર્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે મનસુખ વસાવાએ આજે ફરી દર્શના દેશમુખ વિરુદ્ધ આકરી પ્રતિક્રિય આપતાં વિવાદ ગરમાયો છે.
Mansukhbhai Vasava ના વધુ ગંભીર આરોપો
જવાબમાં મનસુખભાઈ વસાવાએ દર્શનાબેન પર વધુ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે મુખ્યત્વે કેવડિયાના ગરુડેશ્વર વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદે પ્રશ્ન કર્યો કે દર્શનાબેન પોતાના મત વિસ્તારના આ ગંભીર મુદ્દાને કેમ ઉઠાવતા નથી? કેવડિયાના ગરુડેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ થયા. કેટલાક રાજકીય નેતાએ આ ગેરકાયદે બાંધકામમાં દોઢ કરોડનો તોડ કર્યો છે. તોડ કરનારાઓ અને બિલ્ડર લોબીએ ધારાસભ્ય પર દબાણ લાવ્યા હશે, તેથી તેઓ આ મુદ્દો ઉઠાવતા નથી. સાંસદે સ્પષ્ટતા કરી કે હું એવું નથી કહી રહ્યો કે દર્શનાબેન કે તેમના માણસો સામેલ છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ પોતે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યારે ધારાસભ્યએ તેમને સપોર્ટ કરવો જોઈએ.
વિપક્ષના આક્ષેપો પર મૌન રહેવાનો પણ સવાલ
મનસુખ વસાવાએ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના મૌન પર પણ સવાલ ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા જ્યારે તેમના પર ખોટા અને બેફામ આક્ષેપો કરે છે, ત્યારે દર્શનાબેન કેમ જવાબ આપતા નથી? વધુમાં સવાલ કર્યો કે "મારી સામે બદનક્ષીની વાત કરે છે, તો ચૈતરભાઈ વસાવાને જવાબ કેમ નહીં?" અને "પાર્ટીને નુકસાન થાય તેવા નિવેદનો સામે દર્શનાબેન કેમ ચૂપ રહે છે?"
આ તમામ વિવાદથી ભરુચ અને નર્મદા જીલ્લાનું રાજકારણ ગરમાયું છે. લોકો માને છે કે આ વિવાદથી સીધો વિપક્ષ એટલે ચૈતરભાઈ વસાવાને ફાયદો થઈ શકે છે. કારણ કે સ્થાનિક ચૂંટણી પણ આવી રહી છે.
આ પણ વાંચોઃ Surat માંથી મોટું જુગારધામ ઝડપાયું, રાંદેર પોલીસના દરોડામાં 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત