ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Visit Gujarat : PM મોદીની એક ઝલક માટે સુરત એરપોર્ટ પર બિહારવાસીઓનો જમાવડો, વડાપ્રધાનનું સંબોધન

09:15 AM Nov 15, 2025 IST | Hardik Shah
PM Modi_Gujarat_first

PM Modi Visit Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9.15 થી 9.30 વાગ્યાની વચ્ચે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે. બિહારમાં NDAની ભવ્ય જીત બાદ બીજા જ દિવસે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે, જેને પગલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના નેતાઓ તેમના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર રહ્યા છે.

બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી

એરપોર્ટ પર પ્રતિક્રિયા આપતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આજે દેશ માટે 'ડબલ આનંદ'નો દિવસ છે. સુરતમાં આગમન બાદ PM મોદી સૌ પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને પ્રોજેક્ટના ચાલી રહેલા કામની ઝીણવટભરી સમીક્ષા કરશે. તેઓ એન્જિનિયરો પાસેથી કામની પ્રગતિ, ખૂટતી કડીઓ અને જરૂરી સુધારા-વધારાની તમામ માહિતી જાતે મેળવશે. ત્યારબાદ તેઓ નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના આરાધ્યદેવ ગણાતા બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થશે. દેશમાં વિજયનો માહોલ અને આદિવાસી ગૌરવ દિવસના સંયોગ સાથે વડાપ્રધાનની આ મુલાકાત અત્યંત મહત્ત્વની બની રહેશે.

બિહારનાં લોકોને રાજનીતિ સમજાવવાની જરૂર નથી : PM મોદી

November 15, 2025 5:23 pm

બિહારનાં લોકોને રાજનીતિ સમજાવવાની જરૂર નથી. બિહારનાં લોકોએ દુનિયાને રાજનીતિ શીખવી છે. બિહારની ચૂંટણી પર સુરતમાં રહેતા દરેક બિહારવાસીની નજર હતી.

બિહારનાં 100 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતમાં ભવ્ય ઉજવણી થઈ : PM મોદી

November 15, 2025 5:18 pm

પીએમ મોદીએ કહ્યું કે, બિહારનાં 100 વર્ષ પૂર્ણ થતાં બિહારમાં તો તેની ઉજવણી થઈ. પરંતુ, ગુજરાતમાં પણ બિહારનાં 100 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બિહારમાં વિવિધ જિલ્લાઓમાં સારું કામ કરનારા લોકોનું ગુજરાતનાં સુરતમાં સન્માન કરવામાં આવ્યું.

સુરત એરપોર્ટ પર PM મોદી બિહારવાસીઓને સંબોધશે

November 15, 2025 5:08 pm

બિહારમાં NDA ની ભવ્ય જીત બાદ PM મોદીનો અભિવાદન સમારોહ યોજાશે. દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવેલ PM મોદી હવે બિહારવાસીઓને સંબોધશે. સુરત એરપોર્ટ પર યુદ્ધના ધોરણે PM મોદીનો સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બિહારવાસીઓએ ઈચ્છા વ્યક્ત કરતા PM મોદીએ કાર્યક્રમ અંગેની સંમતિ આપી હોવાની માહિતી છે. PM મોદીનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં બિહારવાસીઓ એરપોર્ટ પહોંચ્યા છે. બિહાર જીતની ખુશી વ્યક્ત કરતા બિહારવાસીઓનો PM મોદી આભાર વ્યક્ત કરશે. PM મોદીની એક ઝલક મેળવવા બિહારવાસીઓ અતિ ઉત્સુક હોવા મળી રહ્યા છે. હાથમાં PM મોદીના પોસ્ટર લઈ બિહારવાસીઓ એરપોર્ટ પહોંચ્યા છે.

સબકા સાથ, સબકા વિકાસ થકી વિકસિત ભારતનો સંકલ્પ : PM મોદી

November 15, 2025 4:45 pm

PM નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસર પર સૌને શુભકામનાઓ પાઠવતા લોકોને સબકા સાથ, સબકા વિકાસના મંત્રની શપથ લેવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ આદિવાસી ગૌરવ દિવસ આપણને લાખો આદિવાસી ભાઈ-બહેનો સાથે ભૂતકાળમાં થયેલા અન્યાયને યાદ કરવાનો અવસર પણ આપે છે. PM મોદીએ કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જે પક્ષે 6 દાયકા (6 દાયકા એટલે 60 વર્ષ) સુધી દેશ પર શાસન કર્યું, તેણે આદિવાસીઓને તેમના ભાગ્ય પર છોડી દીધા હતા, પરંતુ હવે તેમની સરકારે આદિવાસીઓના કલ્યાણ અને વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.

આદિવાસી નેતૃત્વ અને સબકા સાથ, સબકા વિકાસ મંત્રથી દેશની એકતા મજબૂત : PM મોદી

November 15, 2025 4:43 pm

PM નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય નેતૃત્વમાં આદિવાસી સમુદાયની વધતી ભાગીદારીને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, હાલમાં અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં આદિવાસી મુખ્યમંત્રીઓ સત્તાનું સુકાન સંભાળી રહ્યા છે. આ ઉપરાંત, દેશની અલગ-અલગ વિધાનસભામાં પણ આદિવાસી સ્પીકરોની નોંધપાત્ર સંખ્યા છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ પાસે સબકા સાથ, સબકા વિકાસ (સૌનો સાથ, સૌનો વિકાસ)ની જે તાકાત છે, તે મંત્રએ દેશની એકતાને વધુ મજબૂતી પ્રદાન કરી છે. આદિવાસી સમુદાયને મુખ્ય પ્રવાહમાં લાવીને તેમને મહત્ત્વપૂર્ણ નેતૃત્વના સ્થાનો પર લાવવાથી જ રાષ્ટ્રની એકતા અને સમરસતા સુનિશ્ચિત થઈ છે.

આદિવાસી કલા અને લોકતંત્રમાં ભાગીદારી

November 15, 2025 4:42 pm

PM નરેન્દ્ર મોદી જ્યારે મંચ પરથી સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક નાની બાળકી તેમના માટે પેન્ટિંગ લઈને આવી, જેના પર તેમણે એસપીજીને તે સ્વીકારી લેવા કહ્યું. PM મોદીએ આ પ્રસંગે આદિવાસી સમાજની કલા અને ચિત્રકલાની સરાહના કરતાં જણાવ્યું કે, અહીં કલા સહજ છે અને પરેશ રાઠવા જેવા ચિત્રકારોનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ સમાજની પ્રગતિ માટે લોકતંત્રમાં ભાગીદારી હોવી ખૂબ જ જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે રાષ્ટ્રના સર્વોચ્ચ પદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે દેશના રાષ્ટ્રપતિ પદે એક આદિવાસી મહિલા બિરાજમાન છે, જે લોકતંત્રમાં આદિવાસી સમાજની મજબૂત ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.

વનબંધુ કલ્યાણ યોજનાનો વિસ્તાર અને સિકલ સેલ એનિમિયા પર સઘન ધ્યાન : PM મોદી

November 15, 2025 4:41 pm

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી સમાજના ઉત્થાન માટે શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજનાની વિશેષ નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના શરૂ થઈ ત્યારે અનેક આદિવાસી લોકો તેમને સન્માનિત કરવા આવતા હતા. PM મોદીએ વધુમાં કહ્યું કે, વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આ વનબંધુ કલ્યાણ યોજનાનો વ્યાપ અનેકગણો વધારવામાં આવી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે તેમણે પ્રકાશ પાડ્યો કે, સિકલ સેલ એનિમિયા (Sickle Cell Anemia)ની બીમારી આદિવાસી સમુદાય માટે એક મોટો ખતરો હતી. આ પડકારનો સામનો કરવા માટે સરકારે આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલોની સંખ્યામાં વધારો કર્યો છે અને અત્યાર સુધીમાં 6 કરોડ આદિવાસીઓનું સિકલ સેલને લઈને સ્ક્રીનિંગ (તપાસ) પણ કરવામાં આવ્યું છે.

રમતગમતથી આરોગ્ય અને પાણી સુધી! PM મોદીએ આદિવાસીઓના યોગદાન અને કલ્યાણની વાત કરી

November 15, 2025 4:39 pm

PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના યુવાનો હવે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઉભરી રહ્યા છે. તેમણે તાજેતરના એક ઉદાહરણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતની જે વુમન ટીમે વર્લ્ડકપ જીત્યો, તેમાં પણ એક આદિવાસી ખેલાડીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે, 2018માં આયુષ્યમાન ભારત યોજના શરૂ થઈ, જેનાથી આદિવાસી સમુદાયને આરોગ્યની સુરક્ષા મળી. તેમણે પોતે ભગવાન બિરસા મુંડાના પરિવારને મળનાર દેશના પ્રથમ PM હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. વધુમાં, સરકારે હજારો ગામોમાં પાણીની લાઇન દ્વારા પીવાનું પાણી પહોંચાડ્યું છે અને ગામડાઓમાં શિક્ષણ, પોષણ અને કૃષિને લગતી અનેક યોજનાઓ સતત ચાલુ રાખી છે.

આદિવાસી પટ્ટામાં શિક્ષણ ક્રાંતિ! અંબાજીથી ઉમરગામ સુધી સાયન્સ કોલેજોનું નિર્માણ

November 15, 2025 4:35 pm

PM નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રે આદિવાસી વિસ્તારોમાં થયેલા પરિવર્તનને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં એક પણ વિજ્ઞાનની શાળા (Science School) ઉપલબ્ધ ન હતી, પરંતુ તેમની સરકારે ત્યાં શાળાઓ પહોંચાડી છે. તેમણે માહિતી આપી હતી કે, હાલમાં આદિવાસી વિસ્તારોમાં 10 હજારથી વધુ શાળાઓ કાર્યરત છે. શિક્ષણના સ્તરને વધુ ઉન્નત બનાવવા માટે, આદિવાસી વિસ્તારોમાં હવે સાયન્સ કોલેજો, આર્ટ્સ કોલેજો અને કોમર્સ કોલેજોનું નિર્માણ થયું છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સુવિધાઓ ઊભી થવાથી હવે આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પોતાના વિસ્તારમાંથી દૂર જવું પડતું નથી અને તેમને નજીકમાં જ ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ મળી રહી છે.

PM મોદીએ આદિવાસી સમાજને ભગવાન રામ સાથે જોડ્યો

November 15, 2025 4:34 pm

PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની આસ્થા અને સંસ્કૃતિ ભગવાન રામ સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. તેમણે ભૂતકાળની વાત યાદ અપાવતાં કહ્યું કે, જ્યારે અટલ બિહારી વાજપેયી પ્રથમવાર PM બન્યા, ત્યારે તેમણે આદિવાસીઓના કલ્યાણ માટે એક અલગ મંત્રાલય ઊભું કર્યું હતું, પરંતુ ત્યારબાદ આવેલી કોંગ્રેસ સરકારે આ મંત્રાલયને જાણે ભૂલાવી દીધું હતું. PM મોદીએ કહ્યું કે તેમની સરકારે સત્તામાં આવ્યા પછી આ મંત્રાલયના બજેટમાં વધારો કરીને જનજાતીય ક્ષેત્રનો વ્યાપક વિકાસ કર્યો છે. તેમણે ગુજરાતના ભૂતકાળની સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સમયે ગુજરાતના આદિવાસી વિસ્તારોની સ્થિતિ સારી ન હતી અને ઉમરગામથી લઈને અંબાજી સુધીના પટ્ટામાં એક પણ વિજ્ઞાનની શાળા (Science School) ન હતી, જે દર્શાવે છે કે તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે કેટલું મોટું પરિવર્તન લાવ્યું છે.

સરદાર પટેલની જન્મજયંતિનું સ્મરણ અને આદિવાસી કલ્યાણ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા : PM મોદી

November 15, 2025 4:31 pm

નર્મદાની આ પવિત્ર ભૂમિ પરથી સંબોધન કરતાં PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં 31 ઓક્ટોબરના રોજ દેશે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી હતી અને આજે આ ધરતી બીજી એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી બની રહી છે. PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે પક્ષે દેશમાં લાંબા સમય સુધી રાજ કર્યું, તેણે આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધા અને કોંગ્રેસ સરકારો આદિવાસીઓના કલ્યાણ માટે હાથ પર હાથ રાખીને બેસી રહી. તેની સામે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આદિવાસી કલ્યાણ હંમેશાં ભાજપ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે, અને તેમની સરકાર આદિવાસી સમાજ સાથે થયેલા તમામ અન્યાયને સમાપ્ત કરવા માટે કટિબદ્ધ છે.

PM મોદીએ ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા, આદિવાસી જ્ઞાન અને સંસ્કૃતિ માટે ટ્રાઇબલ મ્યુઝિયમની વાત કરી

November 15, 2025 4:13 pm

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન ભગવાન બિરસા મુંડાને યાદ કરીને જણાવ્યું હતું કે, આદિવાસી ભાઈ-બહેનોએ દેશની આઝાદી માટે મોટો ફાળો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આદિવાસી સમાજના આ યોગદાનને આગામી પેઢીઓ યાદ રાખી શકે તે માટે દેશભરમાં ટ્રાઇબલ મ્યુઝિયમ્સ બનાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે તેમણે માહિતી આપી કે, ગુજરાતમાં પણ 25 એકર જમીનમાં એક વિશાળ ટ્રાઇબલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ભીલ, ગામીત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ, નાયક, ચૌધરી, કુંભી, દોડિયા જેવી તમામ જનજાતિના લોકોની બોલી અને તેમની સંસ્કૃતિ પર અધ્યયન કરવામાં આવશે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનજાતીય સમાજની પાસે જ્ઞાનનો અપાર ભંડાર છે, જેને સાચવીને તેનું પ્રદર્શન કરવું એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે.

PM મોદીએ દેવમોગરા ધામના વિકાસની નોંધ લીધી, આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને કર્યા યાદ

November 15, 2025 4:09 pm

PM નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લામાં દેવમોગરા માતાના ધામની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ 2003માં પણ આ સ્થળના દર્શને આવ્યા હતા અને આજે આ જગ્યાનો અત્યંત વિકાસ થયો જોઈને તેમને ખૂબ આનંદ થયો છે. તેમણે રાષ્ટ્રનિર્માણમાં આદિવાસી સમાજના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જ્યારે પણ દેશને જરૂર પડી છે, આ સમાજ હંમેશાં આગળ રહ્યો છે, અને સ્વતંત્રતા સંગ્રામ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ પ્રસંગે PM મોદીએ એક લાખ પરિવારોને પાકા મકાનો મળ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આઝાદી માટે લોહી વહેડાવનાર આદિવાસી સમાજના મહાન નેતાઓ જેવા કે ગોવિંદ ગુરુ, જેમણે ભગત આંદોલનનું નેતૃત્વ કર્યું, મોતીવાલ તેજાવત, જેમણે આંદોલન ચલાવ્યું, અને દશરીબેન ચૌધરી, જેમણે ગાંધીજીના સિદ્ધાંતો આદિવાસી લોકો સુધી પહોંચાડ્યા, તે સૌને યાદ કરીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

PM મોદીએ અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, જનજાતીય ગૌરવ દિવસનું કર્યું સ્મરણ

November 15, 2025 4:06 pm

PM નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તેમને આજે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. તેમણે સૌપ્રથમ ગુરુ ગોવિંદ અને સંત કબીરને પ્રણામ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું. PM મોદીએ આદિવાસી સમુદાયના ગૌરવની વાત કરતાં કહ્યું હતું કે, 2021ના વર્ષમાં સરકારે ભગવાન બિરસા મુંડાની જયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની શરૂઆત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ હંમેશાં સ્વમાન સાથે જીવ્યો છે અને આઝાદીની લડતમાં પણ આદિવાસી સમાજમાંથી નીકળેલા લોકોએ જ ક્રાંતિની મશાલને આગળ વધારીને મોટો ફાળો આપ્યો છે.

PM મોદીએ દેવમોગરા ધામમાં દર્શન કરી બિરસા મુંડા અને ગુરુ ગોવિંદને કર્યા યાદ

November 15, 2025 4:05 pm

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર દેવમોગરા માતાના મંદિરે જઈને આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન, PM મોદીએ આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાને ભાવપૂર્વક પ્રણામ કર્યા હતા અને આઝાદીની લડતમાં ગુરુ ગોવિંદના મહાન ફાળાને યાદ કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, આજે જ્યારે અયોધ્યામાં રામ મંદિર, કેદારનાથ, ઉજ્જૈન અને કાશી વિશ્વનાથ કોરિડોરની વાતો થાય છે, ત્યારે દેવમોગરા ધામમાં આવીને તેમને વિશેષ આનંદ થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સંત કબીરનું સ્થાન તેમના જીવનમાં ખૂબ જ વિશિષ્ટ છે અને તેમણે સંત કબીરને પણ પ્રણામ કર્યા હતા, જેનાથી પ્રાદેશિક આસ્થા કેન્દ્રો પ્રત્યેની તેમની લાગણી વ્યક્ત થઈ હતી.

PM મોદીએ નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરી, વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

November 15, 2025 1:31 pm

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લામાં સ્થિત આદિવાસી સમુદાયના આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ દેવમોગરા માતાના મંદિરમાં જઈને પ્રાર્થના કરી હતી. સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે આવેલા આ પવિત્ર ધામમાં દર્શન કરીને તેમણે સૌના કલ્યાણ માટે કામના કરી હતી. આ ધાર્મિક મુલાકાત બાદ, PM મોદીએ નર્મદાના ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસ (બિરસા મુંડાની 150મી જન્મજયંતિ)ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે આદિવાસી સમુદાયના ઉત્થાન અને પ્રદેશના માળખાગત સુવિધાઓમાં સુધારાના ઉદ્દેશથી ₹9,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

બુલેટ ટ્રેન સમીક્ષા બાદ ડેડિયાપાડામાં ₹9,700 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

November 15, 2025 12:17 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. તેઓ સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ હેલિકોપ્ટર મારફતે અંત્રોલી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી અને પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી. આ નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન ડેડિયાપાડા જવા રવાના થયા છે, જ્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. આ ગૌરવશાળી પ્રસંગે પીએમ મોદી ₹9,700 કરોડથી વધુની કિંમતના વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને એક જાહેર સભાને પણ સંબોધન કરશે. નોંધનીય છે કે, હાલના બેવડા હવામાનને કારણે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીએમની સુવિધા માટે હેલિકોપ્ટર અને બાય રોડ એમ બંને માર્ગે પ્રવાસનું વૈકલ્પિક આયોજન તૈયાર રાખવામાં આવ્યું હતું.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરવા PM મોદી સુરત પહોંચશે

November 15, 2025 9:51 am

સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદી સુરત પહોંચશે અને ત્યાં અંતરોળી ગામે આવેલા અંડર-કન્સ્ટ્રક્શન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરીને તેઓ ડાયમંડ-થીમ્ડ સુરત સ્ટેશનની તૈયારીઓનું નિરીક્ષણ કરશે. આ 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાંથી સુરત-બિલિમોરા વચ્ચેના 47 કિલોમીટરના વિસ્તારનું નિર્માણ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે, જે 2027 સુધીમાં ઓપરેશનલ થવાની યોજના છે. આ પ્રોજેક્ટથી મુંબઈ-સુરત વચ્ચેની મુસાફરી 100 મિનિટથી વધુ ઘટશે અને મુંબઈ-અમદાવાદ વચ્ચે માત્ર 2 કલાક 7 મિનિટ લાગશે.

ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં PM મોદીનું કરશે સ્વાગત

November 15, 2025 9:23 am

એરપોર્ટ પર પ્રતિક્રિયા આપતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આજે દેશ માટે 'ડબલ આનંદ'નો દિવસ છે. સુરતમાં આગમન બાદ PM મોદી સૌ પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને પ્રોજેક્ટના ચાલી રહેલા કામની ઝીણવટભરી સમીક્ષા કરશે. તેઓ એન્જિનિયરો પાસેથી કામની પ્રગતિ, ખૂટતી કડીઓ અને જરૂરી સુધારા-વધારાની તમામ માહિતી જાતે મેળવશે. ત્યારબાદ તેઓ નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના આરાધ્યદેવ ગણાતા બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થશે. દેશમાં વિજયનો માહોલ અને આદિવાસી ગૌરવ દિવસના સંયોગ સાથે વડાપ્રધાનની આ મુલાકાત અત્યંત મહત્ત્વની બની રહેશે. આજે કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે.રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં તેમનું સ્વાગત કરશે.

PM મોદીનો ગુજરાતમાં વ્યસ્ત કાર્યક્રમ

November 15, 2025 9:20 am

વડાપ્રધાન મોદી આજે સવારે 9.20 વાગ્યે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે. સુરત પહોંચ્યા બાદ તેઓ 9.55 વાગ્યે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને સવારે 10 થી 11.15 સુધી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા દેવ મોગરા જવા રવાના થશે, જ્યાં બપોરે 12.45 થી 1 વાગ્યા સુધી દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરશે. બપોરના મુખ્ય કાર્યક્રમમાં, PM મોદી 1.40 વાગ્યે ડેડિયાપાડા ખાતે સભા સ્થળ પર પહોંચશે અને બપોરે 2.15 થી 4 વાગ્યા સુધી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન સાંજે 5.05 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે અને સાંજે 6.40 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર આગમન કરશે, આમ આખો દિવસ ગુજરાતમાં વ્યસ્ત રહેશે.

Next Article