Surat: પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી 111 દીકરીઓનો અનોખો સમૂહલગ્ન સમારોહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર
- મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 111 દીકરીઓની લાગણીસભર વિદાય
- મુખ્યમંત્રીએ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું
- ‘પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડ સાથે લોકોને પ્રેરિત કરાયા
Surat: સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ અબ્રામા ખાતે ‘પિયરીયું' નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓનો અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું. તેમજ 'પિયરીયું' છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી દીકરીઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા.
અનેક સન્માનિય લોકો સમૂહલગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂ. મોરારીબાપુ, મંત્રીઓ, વન પર્યાવરણ મંત્રી મૂળુ બેરા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ, શરણાઈ અને સંગીતની સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી 111 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.
લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 5274 દીકરીના પિતા બની ગયા છે. વર્ષ 2011થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે, એમ જણાવી મુખ્યમંત્રીએ છેલ્લા 16 વર્ષમાં લગ્ન થયેલી પિતાવિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે, પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છેઃ મુખ્યમંત્રી
પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે, અન્યએ કમાયેલું ખાવું એ વિકૃતિ છે, પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, અર્જિત કરેલી સદ્દસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતાવિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગમાં લેવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરે છે.
આ પણ વાંચો: PM મોદી બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરીને કહ્યું મારો વીડિયો કટ કરીને વાયરલ ના કરતા
સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું
તેમણે જણાવ્યું કે, 'જેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર' તેમજ 'પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ' એવી ઓળખ બની ગઈ છે. આ સમરસતા, સંવેદના અને એકતાની ભાવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાને સાકાર કરે છે. એટલું જ નહીં, લગ્નમાં 50,000 તુલસીના છોડનું વિતરણ એ સામાજિક કાર્યો સાથે પર્યાવરણ સંરક્ષણની ઉદાત્ત સંવેદનાના દર્શન કરાવે છે એમ જણાવી ૫૨૭૪ દીકરીઓના પાલક પિતા બનેલા મહેશભાઈને શુભેચ્છા પાઠવી હતી. પ્રખ્યાત રામકથાકાર પૂ. મોરારીબાપુએ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું હતું.
આ સમૂહલગ્ન નહીં, પણ લગ્નોત્સવ છેઃ મહેશ સવાણી
આ પ્રસંગે પી.પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે 16મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. આ સમૂહલગ્ન નહીં, પણ લગ્નોત્સવ છે. કારણ કે કોઈ પરિવારમાં જેમ મહેંદી રસમ, મંડપમુહૂર્ત, કરિયાવર જેવી પ્રાચીન પ્રથા-રસમો યોજાય છે તેમ અહીં તમામ રસમોની ઉજવણી કરવામાં આવે છે. સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે. દીકરીઓને શિખામણ આપતા મહેશએ કહ્યું કે, સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે. સૌને સાથે રાખી એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દામ્પત્યજીવનને ઉજાળજે.
આ પણ વાંચો: સંસદમાં PM મોદીનું ધારદાર સંબોધન, કોંગ્રેસને યાદ અપાવી તેમની ભૂતકાળની ભૂલો
આ કાર્યક્રમને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું
હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. કોઈ જમાઈનું અવસાન થાય તો દીકરીને આજીવન મહિને રૂપિયા 10 હજારની આર્થિક સહાય આપીએ છીએ. આ કાર્યક્રમને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ, લગ્નસમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ અને કુલ એક જ સ્થળેથી તબક્કાવાર 5274 દીકરીઓના લગ્ન એમ ત્રણ રેકોર્ડ બન્યા હતા, જે બદલ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમે હાજર રહી સર્ટિફિકેટ એનાયત કર્યું હતું.
આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ 50,000 તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડથી લોકોને પ્રેરિત કરાયા હતા.આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રયોશા પ્રતિષ્ઠાન- ડાંગના પી.પી.સ્વામી, સંત ઇન્દ્રભારતીજી, શેરનાથ બાપુ, ગિરીબાપુ, નૌતમ સ્વામી, સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી, સહિત અગ્રણી મહાનુભાવો, સંતો મહંતો, સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Surat : સુરતીઓ આનંદો! મુસાફરોની સુવિધામાં થયો વધારો, રાજ્ય સરકારે આપી આ ખાસ ભેટ