41

સુરતના નાનપુરામાં આવેલી ફેમસ રાધે ઢોકળાની દુકાનમાં પનીરના શાકમાંથી વંદો નિકળતા હોબાળો મચ્ચો હતો. એક મહિલાએ શાકમાં વંદો નિકળતા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં પાલિકાની ટીમ દોડતી થઇ ગઈ હતી.
રાધે ઢોકળાની દુકાન સીલ
આ દુકાનમાંથી એક મહિલાએ 2 શાકનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી પનીરનાં શાકમાં વંદો નિકળતા મહિલાએ પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતા પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં અને તાત્કાલીક દુકાનને સીલ કરી છે. અધિકારીઓ દ્વારા દુકાનમાંથી બંને શાકના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ અધિકારીઓએ રાધે ઢોકળાના દુકાનદારને નોટીસ ફટકારી છે. અને ફૂડનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી દુકાન બંધ રાખવા આદેશ કર્યો છે. સોમવારે રાતની ઘટનામાં મહિલાએ મોડી ફરિયાદ કરી હોવાથી ઘટનાના બે દિવસ બાદ કાર્યવાહી થઈ છે. પાલિકાએ રાધે ઢોકળાની નાનપુરા સહિતની અન્ય બ્રાન્ચમાં પણ તપાસ શરૂ કરી છે. તપાસના અંતે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી દુકાન બંધ રહેશે. પાલિકાની ટીમ દ્વારા નાનપુરા સિવાય રાધે ઢોકળાની અન્ય દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાંથી પણ શાકના સેમ્પલ લેવાયા છે. હોબાળો થતાં દુકાનદારે માફી પણ માગી હતી. ફરિયાદી ગ્રાહક મહિલાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા તંત્રને જાણ થઈ હતી.