Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: સીંગદાણાની લારી પર માથાકૂટ થતા યુવકની કરપીણ હત્યા કરાઇ

સુરતમાં એકબાદ એક હત્યાઓનો સિલસિલો હજી પણ યથાવત
surat  સીંગદાણાની લારી પર માથાકૂટ થતા યુવકની કરપીણ હત્યા કરાઇ
Advertisement
  • વધુ એક હત્યાનો બનાવ સુરતના ડીંડોલી વિસ્તારમાં સામે આવ્યો
  • ગણેશ સૂર્યવંશી નામનો ઈસમ ચપ્પુનો ઊંડો ઘા ઝીંકી ફરાર થઈ ગયો
  • ટૂંકી સારવાર દરમ્યાન પ્રણવનું હોસ્પિટલના બીછાને કરુણ મોત નીપજ્યું

Surat: શહેરમાં એકબાદ એક હત્યાઓનો સિલસિલો હજી પણ યથાવત છે. જ્યાં વધુ એક હત્યાનો બનાવ સુરતના ડીંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. તેમાં સીંગદાણાની લારી પરથી રૂપિયા આપ્યા વિના સીંગદાણા લઈ જતા યુવક અને લારીવાળા વચ્ચે થયેલી માથાકૂટમાં ઠપકો આપવા ગયેલા યુવક પર ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જે હત્યા કેસમાં આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે.

સુરત (Surat) ના ડીંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો

Advertisement

સુરત (Surat) ના ડીંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ગુરુવારની મોડી સાંજે પ્રણવ નામના યુવકની ગણેશ સૂર્યવંશી નામનો ઈસમ ચપ્પુનો ઊંડો ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. ડીંડોલી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે,દોઢિયા વાડમાં રહેતા ગણેશ સૂર્યવંશીએ નજીકમાં આવેલ દાણા ચણાની લારી પરથી દાણા ચણા ખરીધા હતા. જેના રૂપિયા આપ્યા ન હોતા. જેથી દાણા ચણાની લારી ચલાવતા ફેરિયા અને ગણેશ વચ્ચે માથાકૂટ થઈ હતી. બંને વચ્ચે થઈ રહેલી માથાકૂટમાં પ્રણવ મધ્યસ્થી કરવા પડ્યો હતો. રૂપિયા શા માટે આપતો નથી તેમ કહેતા ગણેશ સૂર્યવંશી તીક્ષ્ણ ચપ્પુ વડે પ્રણવ પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

Advertisement

ટૂંકી સારવાર દરમ્યાન પ્રણવનું હોસ્પિટલના બીછાને કરુણ મોત નીપજ્યું

હુમલામાં ઈજાગ્રસ્ત પ્રણવને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન પ્રણવનું હોસ્પિટલના બીછાને કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના બાદ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યાં ફરાર હત્યારા ગણેશ સૂર્યવંશીની ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગંભીર પ્રકારનો ગુન્હો નોંધાઈ ચૂક્યો છે. જે ગુન્હામાં તેની અગાઉ ધરપકડ પણ થઈ ચૂકી છે.એટલું જ નહીં આરોપી પાસેથી મૃતકને પણ હાથ ઉછીના આપેલા નાણા લેવાના નીકળતા હતા.જે અંગેની હકીકત પણ પોલીસ તપાસમાં સામે આવી છે.

આ પણ વાંચો: અત્યંત દારૂણ! ગર્ભવતિ મહિલાને આવ્યો હાર્ટએટેક, મા અને બાળક બંન્નેનું મોત

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યાઓનો ગ્રાફ વધ્યો

સુરત (Surat) શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યાઓનો ગ્રાફ વધ્યો છે. જ્યાં એકબાદ એક હત્યાઓનો સિલસિલો હજી પણ યથાવત છે. જેમ સૌથી વધુ હત્યાના બનાવ ડીંડોલી, લિંબાયત જેવા વિસ્તારોમાં બની રહ્યા છે. જે વિસ્તારોમાં જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ હવે ધીરે ધીરે કથળતી જોવા મળી રહી છે. જે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ સામે એક મોટો પડકાર ઊભો થયો છે.

અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો: BZ Group Scam : બંધ પેઢીમાંથી ઢગલાબંધ મોંઘા મોબાઈલ ખરીદી રોકાણકારોને ગિફ્ટ કર્યાં! તપાસમાં ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.

×