Surat: રિક્ષા ચાલક, ચાવાળો અને કરિયાણાવાળો! બે દિવસ સુધી વેશ બદલીને નરાધમની બાજુમાં જ ફરતી રહી પોલીસ!
- સુરત (Surat) માં દુષ્કર્મ કેસમાં ફરાર આરોપીની ધરપકડ
- કામ અપાવવાના બહાને મહિલા સાથે આચર્યું હતું દુષ્કર્મ
- ઘટના બાદ આરોપી વતન મધ્યપ્રદેશ ભાગી છૂટ્યો હતો
- આરોપીને પકડવા પોલીસની ટીમ મધ્યપ્રદેશ ગઈ હતી
- આરોપીને પકડવા પોલીસે અલગ અલગ વેશ પલટો કર્યો
Surat: સુરત (Surat) ના ઇચ્છાપોર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં નોકરી અપાવવાના બહાને એક મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયેલા આરોપી અવિનેશ કુમાર ઉર્ફે બિપિન કોદુલાલ ચોરસિયાને સુરત પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની ટીમે આ રીઢા ગુનેગારને પકડવા માટે જે રીતે વેશ પલટો કર્યો તે કોઈ ફિલ્મી પટકથાથી ઓછું નથી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર મહિલા સુરતના RJD ટેક્સટાઈલ પાર્કમાં નોકરીની શોધમાં આવી હતી. ત્યાં તેની મુલાકાત અવિનેશ કુમાર સાથે થઈ હતી. આરોપીએ મહિલાને સારી નોકરી અપાવવાનો ઝાંસો આપ્યો હતો અને તેનો વિશ્વાસ જીતી લીધો હતો. વિશ્વાસમાં લઈને આરોપી મહિલાને જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કપાસેના નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં એકલતાનો લાભ ઉઠાવી, આરોપીએ ચપ્પુની અણીએ મહિલાને ડરાવી-ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
Surat પોલીસની કામગીરી: રિક્ષા ચાલક અને ચાવાળા બની તપાસ કરી
ઘટનાની જાણ થતા જ ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, આરોપી ધરપકડના ડરે પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી છૂટ્યો હતો. તેને પકડવા માટે સુરત પોલીસની એક ખાસ ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ હતી. મધ્યપ્રદેશના સેમારીયા ખાતે આરોપીને પકડવો એ પોલીસ માટે એક પડકાર હતો, કારણ કે પોલીસની હાજરીની જાણ થતા જ તે ફરી ભાગી શકે તેમ હતો.
આથી, પોલીસ ટીમે સતત બે દિવસ સુધી વિસ્તારમાં રેકી કરી હતી. આરોપીને દબોચવા માટે પોલીસે અલગ-અલગ વેશ પલટો કર્યો હતો. જેમાં પોલીસના જવાનો ક્યાંક લોકલ રિક્ષા ચાલક બન્યા, તો ક્યાંક ચાની કીટલી પર મજૂરી કામ કરવા લાગ્યા. એટલું જ નહીં, એક જવાન તો કરિયાણાની દુકાને કામ પર રહીને આરોપીની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો.
આરોપીએ ગુનાની કબૂલાત કરી
અંતે ચોક્કસ બાતમી અને સખત મહેનત બાદ પોલીસે સેમારીયા ખાતેથી અવિનેશ કુમાર ઉર્ફે બિપિનની ધરપકડ કરી હતી. સુરત લાવ્યા બાદ પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હાલમાં ઇચ્છાપોર પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajkot: મહિલા પ્રતિનિધિના નામે પતિદેવોનો વહીવટ હવે નહીં ચાલે,રાજકોટ DDOનો આકરો પરિપત્ર


