Surat: અમરેલી લેટર કાંડ કેસમાં અલ્પેશ કથીરીયા તથા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા
- હાલ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે: અલ્પેશ કથેરીયા
- અંદરો અંદરની હરીફાઈના કારણે જે લેટર કાંડ સામે આવ્યો છે તેને લઈ ફરિયાદ દાખલ થઈ
- ભાજપ (BJP) નેતાના અહમ સંતોષવા દીકરીનું સરઘસ કાઢી આ કૃત્ય કરાયુ: પ્રતાપ દુધાત
Surat: અમરેલી લેટર કાંડ કેસ (Amreli letter scandal case) માં ધરપકડ કરાયેલ યુવતીનું રિ કન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.જે અંગેના આક્ષેપો પાટીદાર (Patidar) સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સમાજની દીકરીને ખોટી રીતે લેટર કાંડમાં ફસાવી ભાજપ નેતાના અહમ સંતોષવા પોલીસ દ્વારા આ કૃત્ય કરાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે અમરેલી પોલીસના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માંગ સાથે પાસ નેતા અને પાટીદાર સમાજના અગ્રણી એવા અલ્પેશ કથીરીયા તથા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ મેદાનમાં આવ્યા છે.
હાલ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે: અલ્પેશ કથેરીયા
પાટીદાર (Patidar) અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા અને પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથેરીયાએ જણાવ્યું છે કે હાલ ભારતીય જનતા પાર્ટી (BJP)નું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તા સંગઠન પર્વની અંદર પોત પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે.અંદરો અંદરની હરીફાઈના કારણે જે લેટર કાંડ સામે આવ્યો છે તેને લઈ ફરિયાદ દાખલ થઈ છે. તેમાં જે યુવતીની ધરપકડ કરાઇ છે તે માત્ર ઓફિસમાં ટાઈપિંગનું માત્ર કામ કરતી હતી. જેથી પત્રનું શું કરવું અને શું ન કરવું તેની જવાબદારી યુવતીની નહીં પરંતુ તેના માલિકની હોય છે. પરંતુ આ ઘટનામાં યુવતી પર ગુનો દાખલ કરી યુવતીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તે જ ઓફિસથી થોડા અંતરમાં સરઘસ સ્વરૂપે તેને જાહેરમાં લઈ જવી તે કિસ્સો ગુજરાતમાં લાંછન રૂપ કિસ્સો બનીને સામે આવ્યો છે. કહેવાય છે કે દીકરી આંગનની તુલસીનો ક્યારો હોય છે. આ ઘટના બાદ દરેક સમાજે આગળ આવવું જોઈએ. જે લોકોએ પણ આ કેસમાં ભૂંડી ભૂમિકા ભજવી હોય તેમાં કોઈ અધિકારી હોય કે પછી નેતા હોય તમામની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
સમાજના લોકો એટલા માટે આગળ આવી રહ્યા નથી કારણ કે ફરિયાદ કરવાવાળા અને ફરિયાદ કરાવનારા પાટીદાર
વધુમાં અલ્પેશ કથીરિયા જણાવ્યું કે, સમાજના લોકો એટલા માટે આગળ આવી રહ્યા નથી કારણ કે ફરિયાદ કરવાવાળા અને ફરિયાદ કરાવનારા પાટીદાર છે. જે દીકરી છે તે પણ પાટીદાર (Patidar) છે. ઘણા આગેવાન જોડે વાત થઈ છે અને મેં જાતે પણ આ બાબતને લઈ ચર્ચા કરી છે. રાજ્યના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દો લાવવો જોઈએ. ફરિયાદીએ જાતે કોર્ટમાં આવી અને આ કેસમાં યુવતીને જામીન.મળે તે માટેના પ્રયાસ કરવા જોઈએ. નીચેની કોર્ટ દ્વારા યુવતીના જામીન રદ કરવામાં આવ્યા છે. જે દીકરી આજે જેલમાં છે. જે દીકરી પોલીસ સ્ટેશનમાં કોઈ દાદર આજ સુધી ચઢી નથી, તે દીકરીએ પોલીસ (Police) સ્ટેશન જવાનો વારો આવ્યો છે. તે દીકરીને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી માંગ છે. આ દીકરી પર લાગેલા ડાઘ અને કેસ દૂર કરવાની સંપૂર્ણ જવાબદારી આ સમાજની અને આ વ્યવસ્થાની છે.
પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે અલ્પેશ કથેરીયાએ જણાવ્યું
પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે અલ્પેશ કથેરીયાએ જણાવ્યું હતું કે,દરેક સમાજે પત્ર લખવો જોઈએ અને તેઓએ આગળ પણ આવવું જોઈએ. આ જવાબદારી સામાજિક આગેવાનોની છે. રાજકીય આગેવાનોથી કોઈ ભૂલ થાય તો તેના કાન આમળવાની જવાબદારી પણ સામાજિક આગેવાનો અને સંસ્થાઓની છે. જે જવાબદારીમાંથી કોઈએ છટકબારી કરવી જોઈએ નહીં. પ્રતાપ દુધાતે જણાવ્યું છે કે પોલીસે માનવ અધિકારનો ભંગ કર્યો છે. ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસ દ્વારા આ કૃત્ય કરાયું છે. જે ગેરબંધારણીય છે. ડ્રગ્સ, ખનીજ ચોરો, દારૂના કેસોમાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જે આરોપીઓનું આજ દિન સુધી કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી. અમરેલી લેટર કાંડ મુદ્દે સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુરત ખાતેથી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ.આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓએ પત્ર લખવામાં આવ્યો છે.પોલીસ દ્વારા કાઢવામાં આવેલ સરઘસ અંગે અમરેલી પોલીસ સામે કડક રીતે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.આ ભાજપના અંદરો અંદર લેટર કાંડ થયો છે.પટેલ (Patidar) સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી. દીકરીએ માલિકના કહેવા પર લેટર ટાઇપ કર્યો હતો. દીકરીનો ઇરાદો કોઈને બદનામ કરવાનો નહોતો.
આ પણ વાંચો: Surat: પાટીદાર સમાજના આગેવાનો લેટરકાંડમાં સમાજની દિકરીના સન્માનના મુદ્દે આકરા પાણીએ
અમરેલીમાં ઘણા ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે.જે આરોપીઓને પકડવામાં આવતા નથી
વધુમાં પ્રતાપ દુધાતે જણાવ્યું કે,દીકરીની રાત્રે બાર વાગ્યે ધરપકડ કરવામાં આવી.રિ કન્સ્ટ્રકશનના નામે દીકરીનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યું. ભાજપ (BJP) નેતાના અહમ સંતોષવા દીકરીનું સરઘસ કાઢી આ કૃત્ય કરાયુ છે. કાયદાકીય બંધારણ મુજબ રાત્રિના સમયે મહિલાની ધરપકડ ન કરી શકાય. અમરેલી પોલીસે દીકરી જોડે અન્યાય કર્યો છે.અમરેલીમાં બેફામ દારૂ, ખનીજ ચોરીના આરોપીઓનું ક્યારેય સરઘસ કાઢ્યું નથી.અમરેલીમાં ઘણા ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે.જે આરોપીઓને પકડવામાં આવતા નથી.
અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો: Gujarat: રાજ્યના 17 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોને બઢતી મળી