સુરતમાં કાળજું કંપાવનારો અકસ્માત: બારડોલી પાસે બે બસો અથડાઈ, આગ લાગતા 7 મુસાફરો ભડથું
Surat Bus Accident: ગુજરાતના ઉદ્યોગ નગરી એવા સુરત (Surat) જિલ્લાના બારડોલી (Bardoli) પાસે આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) ની ઘટના સામે આવી છે. અહીંથી પસાર થઈ રહેલી મહારાષ્ટ્ર (Maharashtra) પાસિંગની બે લક્ઝરી બસો વચ્ચે કોઈ કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેમાંથી એક બસ રોડ પર જ પલટી મારી ગઈ હતી. બસ પલટી મારવાની સાથે જ તેમાં અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.
પલટી મારેલી બસમાં જોતજોતામાં લાગી આગ
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી હાઈવે પર મહારાષ્ટ્ર પાસિંગની બંને બસો પૂરઝડપે જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ જેવી એક બસ પલટી ગઈ, તેના ઇંધણની ટાંકીમાં બ્લાસ્ટ થવાને કારણે અથવા શોર્ટ સર્કિટના કારણે આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.
બસમાં સવાર મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે અંદર ફસાયેલા મુસાફરોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બસની બારીઓ તોડીને મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે
આ ગંભીર દૂર્ઘટનાની જાણ થતા જ બારડોલી ફાયર વિભાગ (Bardoli Fire Department) ની ટીમ તાત્કાલિક ફાયર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત બાદ બસમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બારડોલી ટાઉન (Bardoli Town) પોલીસ સ્ટેશનનો ઉચ્ચ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે તુરંત જ બચાવ કામગીરી હાથ ધરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી અને હાઇવે પરનો ટ્રાફિક હળવો કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવાની અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: દાહોદમાં વાવાઝોડાનું તાંડવ: સ્માર્ટ સિટી સાઇનનું બોર્ડ તૂટી પડતા બે લોકોના કમકમાટીભર્યા મોત


