બારડોલી રૂરલ પોલીસે કડોદ ગામની સીમમાંથી મસાડ અને ઉમરાખમાં ઇલેક્ટ્રિક મોટર, વાયર અને ડાઈનેમોની ચોરી કરતી ગેંગના 4 આરોપીઓ અને માલ ખરીદનારને ઝડપી લીધા છે. પોલીસે ₹1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય ૨ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Surat News: સુરત જિલ્લાના બારડોલી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના કિંમતી સાધનોની ચોરી કરતી એક સક્રિય ટોળકીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. બારડોલી રૂરલ પોલીસે (Rural Police) બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરીને ખેતીવાડીનો સામાન ચોરતી ગેંગન 4 શખ્સોને દબોચી લીધા છે. આ ટોળકી લાંબા સમયથી રાત્રિના સમયે સીમ વિસ્તારમાં ખેડૂતોની કિંમતી સામગ્રીની ઉઠાંતરી કરતી હતી, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ હતો.
કડોદ ગામની સીમમાંથી ટોળકીને પકડી
પોલીસની કડક કાર્યવાહી દરમિયાન આ આરોપીઓ કડોદ ગામની સીમમાંથી ઝડપાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ગેંગે મસાડ અને ઉમરાખ ગામની સીમમાંથી ખેતીવાડીના સાધનોની ચોરી કરી હતી. તેઓ મુખ્યત્વે કુવા અને બોરવેલ પરથી ઇલેક્ટ્રિક મોટર (Electric Motor), કિંમતી વાયર (Wires) અને ડાઈનેમોની ચોરી કરતા હતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ચોરી કરનારા મુખ્ય સાગરીતોની સાથે ચોરીનો મુદ્દામાલ ખરીદનાર વેપારીને પણ દબોચી લીધો છે અને કુલ ₹1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વધુ બે આરોપીઓ વોન્ટેડ, પોલીસ તપાસ તેજ
આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર (Wanted) કર્યા છે અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછમાં અન્ય કેટલીક ચોરીઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. ખેતીવાડીના સાધનોની ચોરી કરનાર આ આખી સિન્ડિકેટનો પર્દાફાશ થતાં સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચોઃ Jamnagar: 42 ડિગ્રી ગરમીમાં 76 વર્ષના Sakaram Bapa ની અનોખી દંડવત દ્વારકા યાત્રા