Surat Jari Industry Close: પેટ્રોલ-ડીઝલની બચત કરવા જરી અને થ્રેડ ઉદ્યોગનો મોટો નિર્ણય, દર રવિવારે 5 હજાર યુનિટ રહેશે બંધ
- Surat માં દર રવિવારે થ્રેડ એન્ડ જરીના યુનિટો બંધ રહેશે
- સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશનો મોટો નિર્ણય
- પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે 5 હજાર યુનિટ બંધ રહેશે
- પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રવિવારે યુનિટ બંધ રહેશે
- પાંચ હજાર જેટલા યુનિટો અને દુકાનો સ્વૈચ્છિક બંધ રહેશે
- ટ્રાન્સપોર્ટેશનમાં ઘટાડા માટે એક સાથે ઓર્ડરની સૂચના
Surat Jari Industry Close: ગુજરાતના આર્થિક પાટનગર અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત (Surat) શહેરમાંથી ઉદ્યોગ જગતને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel) ની વધતી કિંમતો તેમજ તેની બચત કરવાના આશય સાથે સુરતના જરી અને થ્રેડ ઉદ્યોગે (Zari and thread industry) રાષ્ટ્રહિતમાં એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હવેથી દર રવિવારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ એકમો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
Surat માં દર રવિવારે થ્રેડ એન્ડ જરીના યુનિટો બંધ રહેશે
એસોસિએશનના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ઈંધણ અને પરિવહનની પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી આ નિયમ લાગુ રહેશે. આ નિર્ણય હેઠળ સુરતમાં આવેલા આશરે 5,000 જેટલા જરી-થ્રેડના પ્રોડક્શન યુનિટો અને તેને સંબંધિત દુકાનો દર રવિવારે સ્વૈચ્છિક રીતે બંધ પાળશે. સુરતનો જરી અને થ્રેડ ઉદ્યોગ એ આખા ટેક્સટાઇલ ક્ષેત્રનો એક મહત્વનો આધારસ્તંભ માનવામાં આવે છે, ત્યારે આટલા મોટા પાયે લેવાયેલો આ નિર્ણય બજાર પર વ્યાપક અસર છોડશે.
એડવાન્સમાં ઓર્ડર આપવા વેપારીઓને સૂચના
ટ્રાન્સપોર્ટેશન અને વાહનોની અવરજવરમાં ઘટાડો કરી શકાય તે માટે એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વપરાશકર્તાઓને એક ખાસ અપીલ કરવામાં આવી છે. વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ છૂટક ઓર્ડર આપવાને બદલે એક સાથે અને એડવાન્સમાં જ પોતાનો માલ મંગાવી લે, જેથી વારંવાર વાહનો દોડાવવા ન પડે અને મોટા પાયે પેટ્રોલ-ડીઝલની બચત કરી શકાય. ઉદ્યોગપતિઓએ આ નિર્ણયને પોતાની સામાજિક જવાબદારી અને રાષ્ટ્રહિત માટે અનિવાર્ય ગણાવ્યો છે.


