રૂ. 6,800 રૂપિયાની સહાય પહોંચાડવાની કામગીરી ચાલુ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે અસરગ્રસ્ત લોકોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે. તમામ વિસ્તારો માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સ્થળ પર જઈને કામગીરી કરશે. અસરગ્રસ્તોને ઘરવખરીની સહાય અને કેશ ડોલ (રોકડ સહાય) ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હાલ પ્રભાવિત લોકોને રૂ. 6,800 રૂપિયાની સહાય પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે.
ઓનલાઈન પોર્ટલ અને પારદર્શિતા
સહાયની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક વિશેષ વેબસાઇટ શરૂ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા જણાવાયું હતું કે, અસરગ્રસ્તોએ આ વેબસાઈટ પર જઈને પોતાના વ્યવસાય અને જીએસટી ટર્ન ઓવરની વિગતો ભરવાની રહેશે. આ ઉપરાંત, નુકસાનની સાબિતી તરીકે ફોટો અને વીડિયો પણ અપલોડ કરવાના રહેશે, જેથી સહાયનું વિતરણ પારદર્શક રીતે થઈ શકે.
સર્વે અને આગામી પગલાં
હાલમાં નુકસાનનો સર્વે (Survey) પુરજોશમાં ચાલી રહ્યો છે. આ આફતમાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમનો પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. સાંજ સુધીમાં મૃત્યુઆંક અને કુલ નુકસાનનો ચોક્કસ આંકડો આવ્યા બાદ સરકાર આગામી નિર્ણય લેશે. રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ ખાતરી આપી હતી કે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નાની વ્યક્તિને આર્થિક રીતે મદદ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
આગામી 72 કલાક નિર્ણાયક
સુરત શહેરને ફરીથી બેઠું કરવા માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ સુવિધાઓ અને સહાય અસરગ્રસ્તો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. અંતમાં, સુરતની જનતાની સ્થિતપ્રજ્ઞતા અને સંઘર્ષને બિરદાવતા નેતાઓએ જણાવ્યું હતું કે, સરકાર લોકો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહી છે અને સુરતવાસીઓના આત્મબળને તેઓ વંદન કરે છે.
બેઠકમાં વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિ
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં શહેરની વર્તમાન સ્થિતિ અને રાહત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Surat: પૂર બાદ વેપારીઓની વહારે આવ્યા DyCM હર્ષભાઈ સંઘવી, મદદ માટે આપ્યું આશ્વાસન