Surat Crime Update: 2 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ફરાર મહિલા ડિરેક્ટર મુંબઈથી ઝડપાઈ, જાણો સમગ્ર મામલો
- Surat માં રોકાણકારો સાથે છેતરપિંડી (Fraud) નો મામલો
- વર્ષ 2021માં નોંધાયેલા ગુનામાં મહિલાની ધરપકડ
- CID ક્રાઈમમાં નોંધાયેલા ગુનામાં મુંબઈના થાણેથી ધરપકડ
- રોકાણકારો સાથે 2 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી
- ઊંચા વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું
Surat Crime News: સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ વળતર આપવાની લાલચ આપી અનેક રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud) આચરવાના કેસમાં સીઆઈડી ક્રાઈમ (CID Crime) ને એક મોટી સફળતા મળી છે. વર્ષ 2021થી સીઆઈડી ક્રાઈમની મસાજમાંથી નાસતી ફરતી મુખ્ય મહિલા આરોપી વિનાયા ધર્મેશ ગોસરની આખરે મુંબઈના થાણે વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલા ઓસમ અવર ઓપોર્ચ્યુનિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ચીફ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતી અને તેના પર 2 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો ગંભીર આક્ષેપ છે.
Surat CID ક્રાઈમની મોટી સફળતા
મળતી માહિતી મુજબ, મુંબઈ ખાતે રજિસ્ટર્ડ થયેલી આ ઓસમ અવર ઓપોર્ચ્યુનિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ગુજરાત ભરમાં પોતાની અનેક શાખાઓ ખોલી હતી. આ શાખાઓ મારફતે કંપનીના એજન્ટો અને સંચાલકોએ સામાન્ય લોકોને ટૂંકા ગાળામાં ખૂબ જ ઊંચું વળતર (રિટર્ન) આપવાની આકર્ષક લાલચો આપી હતી. કંપનીની વાતોમાં આવીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના અસંખ્ય મધ્યમવર્ગીય પરિવારો અને રોકાણકારોએ પોતાની પરસેવાની કમાણી આ કંપનીમાં ઇન્વેસ્ટ કરી દીધી હતી.
વર્ષ 2021થી સીઆઈડી ક્રાઈમની ટીમ વોચમાં હતી
રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ કંપની રાતોરાત સંકેલાઈ ગઈ હતી અને પાકતી મુદતે લોકોને રૂપિયા પાછા મળ્યા ન હતા. આથી, 2 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો ભોગ બનેલા સ્થાનિક રોકાણકારોએ ભેગા મળીને વર્ષ 2021માં સીઆઈડી ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થયા બાદ કંપનીની મુખ્ય સૂત્રધાર અને ચીફ મેનેજિંગ ડિરેક્ટર વિનાયા ધર્મેશ ગોસર ફરાર થઈ ગઈ હતી. સીઆઈડી ક્રાઈમની ટીમ સતત આ મહિલા આરોપી પર વોચ રાખી રહી હતી, જે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે થાણેથી તેને ઝડપી પાડી સુરત લાવવામાં આવી છે અને આગળની પૂછપરછ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: Surat News:લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનું મોત, આપઘાતનો કર્યો હતો પ્રયાસ


