Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના ચકચારી આપઘાત મામલે હવે યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું છે. રેગિંગના ગંભીર ત્રાસથી વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યાના બે દિવસ વીતી જવા છતાં કોલેજ દ્વારા સત્તાવાર રિપોર્ટ સોંપવામાં ન આવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) લાલઘૂમ થઈ ગઈ છે. યુનિવર્સિટી દ્વારા સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટને સખત શબ્દોમાં કારણદર્શક નોટિસ ફટકારીને સમગ્ર મામલે તાત્કાલિક ધોરણે વિગતો માંગવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા માંગવામાં આવેલી મુખ્ય વિગતો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ડીનને મોકલેલી નોટિસમાં કેટલાક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગવામાં આવી છે:
કોલેજની આંતરિક તપાસ: કોલેજ સ્તરે કરવામાં આવેલી તપાસની અત્યાર સુધીની તમામ વિગતો.
શિક્ષાત્મક પગલાં:આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે અત્યાર સુધી કયા-કયા શિસ્તભંગના કે કાનૂની પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી.
અધ્યાપકોની ભૂમિકા:માઇક્રોબાયોલોજી વિભાગના સંબંધિત અધ્યાપકોની આ સમગ્ર પ્રકરણમાં શું ભૂમિકા રહી છે અને તેમની ચોક્કસ જવાબદારી શું હતી તેનો અહેવાલ.
નિયમોની અવગણના:રેગિંગ જેવી ગંભીર ઘટનાઓની જરૂરી માહિતી ફરજિયાતપણે 'કોજેન્ટ' (Cogent) પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે, પરંતુ આ નિયમનું પાલન કેમ ન કરવામાં આવ્યું તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.
વહીવટી બેદરકારી સામે ગંભીર સવાલો
રેગિંગ અને માનસિક ત્રાસ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દે કોલેજ પ્રશાસન દ્વારા સમયસર રિપોર્ટ રજૂ ન કરવા અને પોર્ટલ પર માહિતી અપલોડ ન કરવાના નિયમ ભંગને કારણે મેડિકલ કોલેજની વહીવટી બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. યુનિવર્સિટીની આ કડક કાર્યવાહીથી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.
બ્રહ્મ સમાજે સુરત પો.કમી.ને પાઠવ્યું આવેદનપત્ર
આ મામલે બ્રહ્મ સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં મેડિકલ કોલેજના એચ.ઓ.ડી. (HOD) સહિતના જવાબદાર અને કસૂરવાર ચાર તબીબો સામે કાયમી સસ્પેન્શન જેવા કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોલેજની એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે સવાલો ઉઠાવવાની સાથે બંધ હાલતમાં રહેલા સીસીટીવી કેમેરાને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને આ ગંભીર ઘટનામાં સંડોવાયેલા તમામ દોષિતો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી કરવાની જોરદાર રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad News: અમદાવાદ SG હાઈવે પર હચમચાવતી ઘટના! 32 માળની બિલ્ડીંગની ક્રેન પર લટકતો મળ્યો યુવકનો મૃતદેહ