Surat: જુની અદાવતે ગોળી અને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની કબુલાત, વાંચો આ અહેવાલ
- સુરતમાં સિક્યુરિટી ગાર્ડની થઈ હતી કરપીણ હત્યા
- હત્યાનો કેસ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
- ક્રાઈમ બ્રાન્ચે બે હત્યારાઓની બિહારથી કરી ધરપકડ
Surat: સુરતના ભાટપોર ગામ ખાતે બે જાન્યુઆરીના રોજ ongc કંપનીના સિક્યુરિટી ગાર્ડની ગોળી અને ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા થઈ હતી. આ હત્યાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે બિહારના શીવાંજ જિલ્લામાંથી બે હત્યારાઓની ધરપકડ કરી ઇચ્છાપોર પોલીસ ચોપડે નોંધાયેલા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી કાઢયો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવા પાછળનું કારણ ચોકાવનારું સામે આવ્યું છે.
બંને વચ્ચે રૂપિયાને લઈ માથાકૂટ થઈ હતી
મૃતક અને ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી બંને જોડે વર્ષ 2024 પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે ઓએનજીસી કંપનીમાં કામ કરતા હતા. જેમાં બંને વચ્ચે રૂપિયાને લઈ માથાકૂટ થઈ હતી. જે માથાકૂટમાં મૃતકે માર મારતા તેની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાની કબુલાત આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવી હતી. બિહાર ખાતે સતત પાંચ દિવસ સુધી ક્રાઈમ બ્રાન્ચના બે પીઆઇ સહિતની ટીમે ઓપરેશન હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.
વર્કશોપની પાછળથી બે જાન્યુઆરીએ મળી આવી હતી લાશ
સુરતના ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ભાટપોર ગામ આવેલું છે. ગામમાં આવેલા નાણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળ બે જાન્યુઆરીના રોજ સવારે અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ઇચ્છાપોર પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક યુવક ongc કંપનીનો સિક્યોરિટી ગાર્ડ રોહિત ગીરી મકસુદનગીરી છે. જેની લાશ પાસેથી હથોડી અને ઘાતક હથિયાર પણ મળી આવ્યું હતું. જે કબજે લઈ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: Gujarat: ઉત્તરાયણના દિવસ માટે પવનની ગતિને લઇ અંબાલાલ પટેલની આગાહી
હત્યાનો ભેદ ઉકેલ કાઢવા બે અલગ અલગ ટીમો બનાવી
લાશને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી સીસીટીવી આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રિપોર્ટ દરમિયાન યુવકના પેટના ભાગેથી બુલેટ મળી આવી હતી. જ્યાં સૌ પ્રથમ ફાયરિંગ અને ત્યારબાદ યુવકના પેટના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેની જોડે અગાઉ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી ચૂકેલા વિક્રાંત રાજપૂત દ્વારા પોતાના ભાઈ જોડે મળી કરવામાં આવી છે. જે બંને આરોપીઓ હાલ સુરત છોડી પોતાના વતન બિહાર ભાગી છુટ્યા હોવાની જાણકારી મળી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલ કાઢવા બે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં બે પી.આઈ સહિત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ જોડાયો હતો. જે બંને પીઆઇ સહિત દ્વારા સતત પાંચ દિવસ સુધી બિહાર રાજ્યના શિવાંજ જિલ્લામાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુ રાજપૂત અને તેના ભાઈ સિદ્ધાર્થ રામબાબુ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. સ્થાનિક પોલીસની મદદથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં ચાર દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી સુરત લઈ આવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad: ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી
બંને વચ્ચે રૂપિયાની બાબતને લઈ માથાકૂટ થઈ હતી
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, વિક્રાંત અને મૃતક રોહિત ગીરી વર્ષ 2024 પહેલા હજીરાની ongc કંપનીમાં જોડે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જે સમય દરમિયાન બંને વચ્ચે રૂપિયાની બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જે માથાકૂટમાં રોહિત ગીરી દ્વારા વિક્રાંતને માર મારવામાં આવ્યો હતો. જેની અદાવત વિક્રાંતે રાખી તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે અંગે ઘણા સમયથી રોહિત ગીરીની રેકી કરવામાં આવી હતી. જ્યાં પોતાના ભાઈને સુરત બોલાવી હત્યા કરવાનો પ્લાન ઘડી નાખ્યો હતો.
દેશી હાથ બનાવટની પિસ્તોલ જોડે એક રાઉન્ડ ફાયરિંગ
બે જાન્યુઆરીના રોજ હત્યારા બંને ભાઈઓ દ્વારા મોટર સાયકલની ચોરી કરી હતી. જે મોટરસાયકલ પર રોહિત ગીરીની રેકી કરી હતી. વહેલી સવારે કામેથી ઘરે આવેલા રોહિત ગીરીને આંતરી દેશી હાથ બનાવટની પિસ્તોલ જોડે એક રાઉન્ડ ફાયરિંગ કરી તેના પેટના ભાગે ગોળી મારી હતી. અહીં સુધી નહીં અટકતા આરોપીઓએ પોતાની પાસે રહેલ ઘાતક હથિયાર વડે પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાની ઘટનાને અંજામ આપી બંને ફરાર થઈ ગયા હતા. જ્યાં વતન ભાગી છૂટેલા બંને આરોપીઓ નેપાળ નાસી છૂટવાની ફિરાકમાં હતા. પરંતુ તે પહેલાં જ આરોપીઓ સુધી પોલીસના હાથ પોહચી ગયા હતા. જે તમામ હકીકત પોલીસ પૂછપરછમાં સામે આવી હતી.
આ પણ વાંચો: Ujjain મહાકાળેશ્વર મંદિર નજીકની તકિયા મસ્જિદ સહિત 230 મકાનો તોડી પડાયા
બંને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલી માથાકૂટ હત્યામાં પરિણામી
મહત્વનું છે કે, એક વર્ષ અગાઉ નજીવી રકમ માટે બંને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલી માથાકૂટ હત્યામાં પરિણામી હતી. આરોપીને મૃતક દ્વારા મારવામાં આવેલા મારનો બદલો વાળવા પોતાના જ ભાઈ જોડે મળી આરોપીએ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. કહેવાય છે કે, આરોપીઓ કેટલા પણ શાતિર કેમ ના હોય પરંતુ પોલીસના હાથ આરોપીઓ સુધી પહોંચી જતા હોય છે. જ્યાં સુરતમાં બનેલી આ ઘટનામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. જ્યાં ગુનો કરી આરોપીઓ ક્યાંય પણ છુપાઈ જાય છેવટે પોલીસની પકડમાં તો આવી જ જાય છે. જે ગુનો કરનારા આરોપીઓ માટે પણ એક બોધપાઠ બનીને આ ઘટના સામે આવી છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો