11

સુરતમાં AAPની મુસીબતમાં ફરી વધારો થયો છે. આપના વોર્ડ નંબર-4ના કોર્પોરેટર કુંદન કોઠિયાએ પક્ષમાંથી છેડો ફાડ્યો છે. કુંદન કોઠિયાએ પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે. અગાઉ AAPમાંથી 5 કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા હતાં અને ત્યાર બાદ તે ભાજપમાં જોડાયા હતા ત્યારે વધુ એક કોર્પોરેટર કુંદન કોઠિયા ગાંધીનગરના કમલમમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપનો કેસરિયો કરનાર કોર્પોરેટર કુંદન કોઠિયાના પક્ષ છોડતા જ સૂર બદલાયા હતા. કમલમ ખાતે કુંદન કોઠિયાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કુંદન કોઠિયાએ સવાલ કર્યા કે AAP જવાબ આપે કે, કયા કારણથી મને સસ્પેન્ડ કરવામાં આવી છે?
કુંદન કોઠિયાનું રાજીનામું
મોબાઈલમાંથી ઓડિયો ક્લિપ વાયરલ કરી હોવાના આક્ષેપોનો કુંદન કોઠિયાએ રદિયો આપ્યો છે. કુંદન કોઠિયાએ કહ્યું કે- ‘મેં ધર્મેન્દ્ર વાવલિયા સામે પક્ષમાં ફરિયાદ કરી હતી કે, તેઓ હેરાન કરે છે, તેમની સામે કાર્યવાહી કરવાના બદલે મને પક્ષમાંથી બરતરફ કરાઈ’.
AAP દેશ વિરોધી પાર્ટી: પ્રદીપસિંહ વાઘેલા
ભાજપમાં જોડાવવા પર કુંદન કોઠિયાએ કહ્યું કે- તે સારા કામ માટે પક્ષમાં જોડાઈ છે. બીજીતરફ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ AAP પર મહિલાઓનું સન્માન ન કરવાના આક્ષેપો લગાવ્યા. પ્રદીપસિંહે કહ્યું કે- ‘AAP દેશ વિરોધી પાર્ટી છે, આપ યુવાનો સાથે છેતરપિંડી કરે છે’.
AAPના વળતા પાણી?
AAPના માથે જાણે મુસીબતના વાદળ હટવાનું નામ નથી લેતા. વિજય સુંવાળા ભાજપમાં જોડાયા ત્યાર બાદ મહેશ સવાણીએ પક્ષમાંથી છેડો ફાડ્યો. થોડા દિવસ બાદ પાંચ કોર્પોરેટરોએ પક્ષમાંથી છેડો ફાડ્યો અને હવે વધુ એક કોર્પોરેટરે રાજીનામું ધરી દીધું છે.