47 વિસ્તારો હજુ પણ જળમગ્ન: ખાડીઓના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા
સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, સુરતના 47 જેટલા વિસ્તારો હજુ પણ સંપૂર્ણપણે જળમગ્ન છે. ખાડીઓના પ્રદૂષિત અને પૂરના પાણી લોકોના ઘરો તેમજ વેપારીઓની દુકાનોમાં ફરી વળ્યા છે. ખાડીપૂરે સુરત શહેરમાં જાણે મોતનું તાંડવ મચાવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં આ ભયાનક પૂરના કારણે 15 લોકોના અકાળે મોત નીપજ્યા છે, જેના લીધે સમગ્ર શહેરમાં શોકનો માહોલ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે લોકો પોતાના ઘરની છત પર આશરો લેવા મજબૂર બન્યા છે.
6000 લોકો બન્યા બેઘર: તંત્રનો 10 કરોડનો પ્રિ-મોન્સુન ખર્ચ પાણીમાં
આ કુદરતી આફતના કારણે અંદાજે 6000 થી વધુ લોકો બેઘર બન્યા છે. આ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવેલો 10 કરોડનો પ્રિ-મોન્સુન (Pre-Monsoon) ખર્ચ સંપૂર્ણપણે પાણીમાં ગયો હોય તેમ દેખાઈ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં ખાડીઓની સફાઈ અને પૂર નિયંત્રણની નબળી કામગીરીને કારણે તંત્રની ભૂમિકા સામે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે.
NDRFની 7 ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન અને વીજ કટોકટી
પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની 7 ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ દિવસ-રાત યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી (Rescue Operation) કરી રહી છે. બીજી તરફ, પાણી ભરાવાના કારણે મોટી દુર્ઘટના કે કરંટ લાગવાનો અકસ્માત ટાળવા માટે વીજ કંપની દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક 600 ટ્રાન્સફોર્મર બંધ કરી દેવામાં આવ્યા છે.
આ નિર્ણયના કારણે સુરતના 74 હજાર ગ્રાહકો વીજળીથી વંચિત રહ્યા છે. અંધારપટ વચ્ચે વીજળી પુનઃ સ્થાપિત કરવા માટે 450 કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ખાડી વિસ્તારોમાં હજુ પણ પાણીની ગંભીર સમસ્યા યથાવત છે અને તંત્ર યુદ્ધના ધોરણે પરિસ્થિતિ કાબૂમાં લેવા મથી રહ્યું છે.
આ પણ વાંચો: Navsari Flood: પૂર્ણા નદી બે કાંઠે વહેતાં ગધેવાનમાં 3 ફૂટ પાણી, મચ્છી માર્કેટ ઠપ, 150 ઘર ડૂબ્યા, 200થી વધુ લોકોનું સ્થળાંતર