Surat News: ડોનેશનની લાલચ આપી મહિલાએ શાળાના ટ્રસ્ટીને 2 કરોડનો ચૂનો લગાવ્યો!
Surat News: સુરતના શિક્ષણ જગતમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કડોદરા સ્થિત માઉન્ટ લીટેરા ઝી સ્કૂલના ટ્રસ્ટી રાજીવ રાજેન્દ્રસિંહ સાથે એક અત્યંત ચતુર ઠગ ટોળકીએ લાખોની નહીં પણ કરોડોની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ શાળાના વિકાસ માટે 4 કરોડ રૂપિયાના ડોનેશનની લાલચ આપી હતી, જેના બદલામાં ટ્રસ્ટી પાસેથી 2 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી લીધી હતી. આ છેતરપીંડી બાદ ઠગ ટોળકી પેઢીને તાળા મારી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
મહિલાએ ટ્રસ્ટની આપી હતી લાલચ
મળતી જાણકારી અનુસાર આ સમગ્ર છેતરપીંડીનો મામલો 8 મહિના અગાઉ શરુ થયો હતો. જ્યારે શાળાના એક કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીની મુલાકાત એક મહિલા સાથે થઈ હતી. ત્યારબાદ 14 મેના રોજ આ મહિલાએ ટ્રસ્ટીને સંપર્ક કરી જણાવ્યું હતું કે, તેમની કંપની શાળાને 4 કરોડ રૂપિયાનું મોટું ડોનેશન આપવા માગે છે. જોકે, આ રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી પેટે ટ્રસ્ટીએ 2 કરોડ રૂપિયા ડોનેશન તરીકે અગાઉ જમા કરાવવા પડશે તેવી શરત મૂકી હતી. લાલચમાં આવીને ટ્રસ્ટીએ આંગડિયા પેઢીમાં 2 કરોડ રૂપિયા જમા કરાવી દીધા હતા.
પોલીસ તપાસ અને કાર્યવાહી
જેવા જ 2 કરોડ રૂપિયા આંગડિયા પેઢીમાં જમા થયા, કે તરત જ ઠગ ટોળકીએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. રકમ મેળવ્યા બાદ આ ટોળકીએ આંગડિયા પેઢીને તાળા મારી દીધા અને પલાયન થઈ ગયા હતા. પોતાની સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો અહેસાસ થતાં જ ટ્રસ્ટી રાજીવ રાજેન્દ્રસિંહે તુરંત મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ ફરિયાદના આધારે મહિલા સહિતના તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચોઃ Surat News: વસ્તી ગણતરીની કામગીરીનો શિક્ષકો કેમ કરી રહ્યા છે વિરોધ?


