Surat E-Rakshak Hackathon 2026: સુરત ખાતે આવેલી SVNITમાં સાઇબર ક્રાઇમ સેલ અને SVNIT NEXUSના સહયોગથી ‘ઈ-રક્ષક હેકાથોન ગ્રાન્ડ ફિનાલે’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ શુભારંભ પ્રસંગે સુરત જિલ્લા કલેક્ટર, પાલિકા કમિશનર, પોલીસ કમિશનર સહિત શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ IPS સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે IPS સફીન હસને SVNITના મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓને મોટીવેશનલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Surat માં ઈ-રક્ષક હેકાથોન ગ્રાન્ડ ફિનાલેનું આયોજન
સુરત ખાતે ઇ-રક્ષક હેકાથોન 2026ના શુભારંભ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહત્વનું સંબોધન કર્યું હતું. હર્ષ સંઘવીએ 6 રાજ્યોમાંથી આવેલા 150થી વધુ પ્રોબ્લેમ સોલ્યુશનર્સનું સુરતની ધરતી પર સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જીવનના દરેક ડગલે આપણને કંઈક શીખવા મળે છે અને નાના-નાના વિષયોમાં પણ સમસ્યાના ઉકેલ માટે નવા રસ્તા શોધવા પડે છે. સુરત પોલીસે યુવાઓને પોતાની સ્કીલ અને વિચારશક્તિ રજૂ કરવા માટે આ હેકાથોનના માધ્યમથી મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
ટેકનોલોજીના ફાયદા અને નુકસાન વિશે આપી માહિતી
વધુમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે સમાજ જીવનમાં ટેક્નોલોજીનો વ્યાપ વધવાની સાથે સમસ્યાઓ પણ વધી રહી છે. એક તરફ ટેક્નોલોજીના ફાયદા છે, તો બીજી તરફ તેના નુકસાન પણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે સૌપ્રથમ સર્વે કરીને લોકોની સમસ્યાઓ તેમજ પોલીસને પડતી સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. દેશની 13 યુનિવર્સિટીના ટેક્નોલોજી સાથે જોડાયેલા યુવાઓને સાથે લાવીને ટેક્નોલોજીને ઇન્ટિગ્રેટ કરી પોલીસિંગ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે.
પ્રોજેક્ટ માટે કુલ 51 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના દરેક સીસીટીવી કેમેરાને એક ડેશબોર્ડ પર લાવવાનું તેમનું સ્વપ્ન છે. યુવાઓની નવી પ્રતિભા અને ટેક્નોલોજીનો ઉપયોગ લોકોની મદદ માટે થવો જોઈએ. ગુજરાત પોલીસે કેમેરા ઇન્ટિગ્રેશન સહિતના પ્રોજેક્ટ માટે કુલ 51 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં વિવિધ ગુનાઓના નિવારણ અને પોલીસિંગને વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત પોલીસ યુવાઓ સાથે મળીને કામ કરશે. તેમણે યુવાઓને સાયન્સ, ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી સરકારી યોજનાઓની જાણકારી મેળવીને નવી દિશામાં આગળ વધવા પણ અપીલ કરી હતી.
હર્ષભાઈ સંઘવીએ સુરત સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા
આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ સુરત સાથેના પોતાના જૂના સંસ્મરણો પણ વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે SVNITના ગેટ પાસેથી તેમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી. SVNITની કેન્ટિનની બેન્ચ પર સિનિયરો સાથે બેસીને તેમને ઘણું નોલેજ પ્રાપ્ત થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી કરવામાં આવેલા સારા પ્રયાસો અને સફળતા બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. હેકાથોન થકી યુવાઓની શક્તિ અને ટેક્નોલોજીનો ઉપયોગ સમાજ અને લોકોની મદદ માટે થાય તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
હર્ષભાઈ સંઘવીએ યુવાનોને આપ્યો ખાસ સંદેશ
નાયબ મુખ્યમંત્રીએ એ પણ ઉમેર્યું હતું કે, વડાપ્રધાને ખુબજ સારું વિચાર્યું છે.યુવાઓને નવી પ્રતિભા થકી પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએસોફ્ટવેર ડેવલપ કરવાની દિશામાં આપણે આગળ વધવું જોઈએ. હેકાથોન ની શરૂવાત કરવામાં આવી છે.આગામી દિવસોમાં વિવિધ ગુના સંદર્ભે યુવાઓ સાથે ગુજરાત પોલીસ કામ કરવા માંગે છે,યુવાઓની શક્તિ લોકોની મદદ માટે કરવામાં આવશે.આપણે સોશિયલ મીડિયાના જમાના અને રિલ્સ ના માધ્યમથી શું રસ્તા છે,તે માત્ર કેન્ટિનમાં વાતો કરવાથી નથી મળવાના.યુવતીઓ માટે સરકાર વિશેષ યોજના લાવી છે.સાયન્સ અને ટેક્નોલોજી અથવા ઇન્ડસ્ટ્રીઝ થી જોડાયેલી યોજનાઓ વિશે યુવાઓએ જાણકારી મેળવી જોઈએ.યુવાઓના રિસ્ક પર ગુજરાત સરકાર કામ કરવા માંગે છે.
વિદ્યાર્થીઓની મદદથી ગુનાઓ ઉકેલવામાં થશે સરળતા
ઉલ્લેખનીય છે કે હાલ સુરત શહેરમાં જ નહીં પરંતુ ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓના ગ્રાફમાં વધારો થયો છે. આવા ગુનાઓનો ભેદ ઉકેલવામાં કેટલાક સમયે પોલીસને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવામાં દેશની ટોપ લેવલની ઇન્સ્ટિટયૂટ ના વિદ્યાર્થીઓની મદદ લઈ ગુના ઉકેલવામાં સરળતા મળી રહે તે માટે ઈ રક્ષક હેકાંથોન 2026 નો પ્રારંભ કરાવ્યો છે. જે પ્રારંભિક પ્રસંગે યુવાઓને ટેકનોલોજીમાં વધુ ઇન્ટીગ્રેટેડ કઈ રીતે કરી શકાય તે માટે આગળ વધવા સૂચન કર્યું છે.
આ પણ વાંચો : Dang Road Accident: ડાંગમાં ગમખ્વાર અકસ્માત, ગાંધીનગરના અધિક કલેક્ટર સહિત 2 ના મોત, નાયબ મામલતદાર ઈજાગ્રસ્ત