Surat Demolition News: સુરતમાં નકલી ડિમોલિશનનો ચોંકાવનારો કિસ્સો, તંત્રના નામે મકાનો તોડવાની હિંમત કોણે કરી?
Surat Demolition News: સુરતના વેડ દરવાજા સ્થિત નાસિર નગરમાં થયેલા ડિમોલિશન મામલે એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર બાબત સામે આવી છે. વર્ષોથી વસવાટ કરતા સ્થાનિકોના કાચા-પાકા મકાનો જ્યારે તોડી પાડવામાં આવ્યા, ત્યારે રોડ પહોળો કરવાના બહાને આ કાર્યવાહી થઈ હોવાનું જણાવાયું હતું. જોકે, હવે આ મામલે કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્તો દ્વારા સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા પાલિકાના જવાબથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
Surat માં 'નકલી' ડિમોલિશન!
જ્યારે કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્તોએ આ મામલે પાલિકાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી, ત્યારે પાલિકાએ જવાબ આપ્યો કે, "નાસિર નગરમાં અમે કોઈ ડિમોલિશન કર્યું જ નથી અને આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવાદેવા નથી." પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ડિમોલિશન કરનાર ટીમમાં પાલિકાનો કોઈ પણ માણસ હાજર નહોતો. પાલિકાના આ ગોળ-ગોળ જવાબોએ અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે.
ડિમોલિશન કર્યું કોણે?
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પોલીસ પ્રોટેક્શન પણ હાજર હતું. લોકોએ સ્પષ્ટ જોયું હતું કે ખાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા અધિકારીઓ ઘટનાસ્થળે તૈનાત હતા. જો પાલિકાએ આ કાર્યવાહી નથી કરી, તો સવાલ એ થાય છે કે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના નામે આટલી મોટી કાર્યવાહી કરવાની હિંમત કોણે કરી?
બિલ્ડરને ફાયદો કરાવવા મિલીભગતની શંકા
જે જગ્યાએ ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યાં બાજુમાં જ એક બિલ્ડરનો નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આથી, એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે કોઈને આર્થિક લાભ પહોંચાડવા માટે જ રોડ પહોળો કરવાના બહાને આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. શું કોઈ ખાનગી વ્યક્તિ કે બિલ્ડરના ઇશારે તંત્રના નામે આ કૃત્ય કરવામાં આવ્યું? શું અધિકારીઓની મિલીભગત વિના આ શક્ય છે?
કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્તો પોલીસ કમિશનરને કરશે રજૂઆત
આ ગંભીર મામલે હવે કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્તો પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરશે. પાલિકા અને પોલીસ બંનેની ભૂમિકા શંકાના દાયરામાં આવતા સુરતમાં હવે 'નકલી ડિમોલિશન'નો કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: Ahmedabad Drugs Case: નરોડા પોલીસની મોટી કાર્યવાહી, 14 કરોડ 16 લાખ 80 હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો


