Surat Rain News: સુરત શહેરમાં મોડી રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદે સુરત મહાનગરપાલિકા અને જિલ્લાના તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે.
શહેરી વિસ્તારોની સ્થિતિ
વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ અને પાલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ડીંડોલી, ઉધના અને લિંબાયતના ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. અનેક સ્થળોએ મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનો બંધ પડી જવાની ઘટનાઓ બની હતી, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
જિલ્લાના વિસ્તારોમાં જળબંબાકાર
સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા અને બારડોલીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
કડોદરા: વોર્ડ નંબર ૨ની શ્રીનિવાસ સોસાયટી પાસે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે, જ્યારે સરદાર કોમ્પલેક્ષના પાર્કિંગ અને દુકાનોમાં પાણી ઘૂસી જવાની તૈયારીમાં છે.
કીમ:કીમ ચાર રસ્તા પાસે આવેલા ફિરદૌસ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા દુકાનદારોએ વેપાર-ધંધા બંધ રાખવાની ફરજ પડી છે.
હાઇવેની સ્થિતિ: માંગરોળમાં પાલોદ-સિયાલજ ખાડી પાસે નેશનલ હાઇવે-48 પર પાણી ભરાતા અમદાવાદ-મુંબઈ માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. હાઇવેની એક લેન સંપૂર્ણ પાણીમાં ડૂબી જતાં માત્ર બે લેન પરથી જ વાહન વ્યવહાર ચાલુ રાખી શકાયો છે. બારડોલી-કડોદરા માર્ગના અન્ડરપાસમાં પણ પાણી ભરાતા નાના વાહનોની અવરજવર બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખેડૂતોમાં આનંદની લાગણી
લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદથી શેરડી, શાકભાજી અને ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે. વરસાદ ન પડવાને કારણે ચિંતિત બનેલા ધરતીપુત્રોમાં આ વરસાદને પગલે હરખની હેલી જોવા મળી છે.
આ પણ વાંચો: Gujarat Rain News: ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી! 24 કલાકમાં 33 તાલુકાઓમાં નોંધાયો વરસાદ