Surat: માલેતુજારના બગડેલા દીકરાઓ ગાંજાની હેરાફેરીમાં લક્ઝરીયસ કારનો ઉપયોગ કરતા
- રૂ. 15 લાખની કિંમતનો 500.52 ગ્રામ જેટલો હાઇબ્રીડ ગાંજો મળ્યો
- બંને આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી
- માલેતુજાર પરિવારોના દીકરાઓ ગાંજાની હેરાફેરી અને ડિલિવરીમાં ઝડપાયા
Surat: સુરતમાં માલેતુજારના બગડેલા દીકરાઓ ગાંજો લેવા લક્ઝરીયસ રેન્જ રોવર કારમાં આવતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યાં ગાંજાની ડિલિવરી લેવા આવેલા અને આપવા આવેલા બંને માલેતુજાર પરિવારના દીકરાઓને ઝડપી પાડી વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અભિયાન અંતર્ગત સુરતની ઉમરા પોલીસ નશીલા પદાર્થોની થતી હેરાફેરીને ડામવા પેટ્રોલિંગમાં હતી. જે પેટ્રોલિંગ દરમિયાન સુરતની ઉમરા પોલીસને માહિતી મળી હતી કે ,ઘોડદોડ રોડ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમ પાછળ હાર્દિક પરમાર નામનો ઇસમ હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી કરવા આવી રહ્યો છે. જે માહિતીના આધારે ઉમરા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન રેન્જ રોવર લક્ઝરીયસ કારમાં હાઈ બ્રીડ ગાંજાની ડિલિવરી કરવા આવેલા હાર્દિક પરમારને ઉમરા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
રૂ. 15 લાખની કિંમતનો 500.52 ગ્રામ જેટલો હાઇબ્રીડ ગાંજો મળ્યો
ઉમરા પોલીસે ગાંજાની ડિલિવરી કરવા આવેલા હાર્દિક પરમારની સાથે ડિલેવરી લેવા આવેલા જેનીશ કાથરોટીયાને પણ દબોચી પાડ્યો હતો. જે બંનેની તલાસી લેતા રૂપિયા 15 લાખની કિંમતનો 500.52 ગ્રામ જેટલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જે બંને આરોપીઓની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરી હતી. રૂપિયા 15 લાખથી વધુની મત્તાનો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો, લક્ઝરીયસ કાર, ત્રણ મોબાઈલ, રોકડા રૂપિયા સહિત પોલીસે 42.21 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
બંને આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી
પોલીસ પૂછપરછમાં આરોપી હાર્દિક રાજ યોગેન્દ્રસિંહ પરમાર જે હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો, તે સુરતના ડભોલી ગામ ખાતે આવેલા રાજપુત ફળિયાનો રહેવાસી છે. જ્યારે ગાંજાની ડિલિવરી લેવા માટે આવેલ જેની ચતુરભાઈ કાથરોટીયા વરાછાના અશ્વનિકુમાર રોડ પર આવેલ રામબાગ સોસાયટીનો રહેવાસી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. મહત્વનું છે કે હાર્દિક રાજ ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો. જે આરોપી આ ગાંજાની હેરાફેરીમાં કેટલા સમયથી સકડાયેલો છે અને તેની જોડે અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે રેન્જ રોવર લક્ઝરીયસ કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી કરવામાં આવી રહી હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઈ માલેતુજાર પરિવારોના દીકરાઓ ગાંજાની હેરાફેરી અને ડિલિવરીમાં ઝડપાયા છે. જે બંને આરોપીઓની હાલ તો ઉમરા પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલને કોર્ટથી ઝટકો