સુરતમાં માતમ: Kakrapar Dam માં ડૂબતા મિત્રને બચાવવાની કોશિશમાં 4 મિત્રોના ડૂબી જવાથી મોત
માંડવીના Kakrapar Dam માં નાહવા પડેલા ૪ યુવકો ડૂબ્યા
સોમવારે સાંજના સમયે બની હતી ઘટના
1 યુવક ડૂબી રહ્યો હતો તેને બચાવવામાં અન્ય ત્રણ પણ ડૂબ્યા
માંડવી પોલીસ અને માંડવી ફાયર ઘટના સ્થળે પહોંચ્યું
ફાયર વિભાગ દ્વારા 4 યુવાનો ની ડેડબોડી નદીની બહાર કાઢી
પોલિસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી
Kakrapar Dam Acciden : સોમવારની મોડી સાંજ સુરતના માંડવી (Mandvi) તાલુકા માટે કાળ બનીને આવી હતી. અહીંના પ્રસિદ્ધ કાકરાપાર ડેમ (Kakrapar Dam) ખાતે ફરવા ગયેલા ચાર યુવાનોના નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક યુવકોના પરિવારમાં માતમ છવાયો છે.
મિત્રને બચાવવાના પ્રયાસમાં સર્જાઈ હોનારત
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરુણ ઘટના સોમવાર મોડી સાંજે બની હતી. કેટલાક મિત્રો કાકરાપાર ડેમ પાસે નદીના કિનારે ફરવા અને ન્હાવા માટે ગયા હતા. ન્હાતી વખતે એક યુવક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના મિત્રો તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા. જોકે, પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાને કારણે બચાવવા ગયેલા અન્ય ત્રણ યુવકો પણ પાણીમાં ડૂબી ગયા હતા. આમ, એકબીજાને બચાવવાની લ્હાયમાં ચારેય મિત્રોએ જીવ ગુમાવ્યો હતો.
ફાયર વિભાગ દ્વારા 4 યુવાનો ની ડેડબોડી નદીની બહાર કાઢી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક માંડવી પોલીસ (Mandvi Police) અને ફાયર વિભાગ (Fire Department) ને જાણ કરવામાં આવી હતી. માંડવી પોલીસનો કાફલો અને ફાયરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. અંધારું હોવા છતાં ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ નદીમાંથી ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
પરિવારમાં શોકનું મોજું
માંડવી પોલીસે ચારેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી તેમના મિત્ર વર્તુળ અને ગામમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને નદી કે ડેમના ભયજનક વિસ્તારોમાં ન ઉતરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરા પાસે મોટી દુર્ઘટના : Mahisagar River ના વહેણમાં તણાયા 5 મિત્રો, 2ના મોત


