Surat: મોબાઈલ માટે યુવતીનું ગળું ચીરી નાખવાનો પ્રયાસ! રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના
- Surat: પીપોદરા GIDCમાં યુવતી પર લૂંટનો પ્રયાસ થયો
- લૂંટારુઓએ ₹85,000નો મોબાઈલ ઝૂંટવવાની કોશિશ કરી
- યુવતીએ પ્રતિકાર કરતા તેના પર ચપ્પુથી હુમલો થયો
Surat Crime: સુરત જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના પીપોદરા (Pipodara) GIDC વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રોજગાર માટે ઘરની બહાર નીકળતી મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કરતા આ કિસ્સામાં બે લૂંટારુઓએ એક યુવતીને આંતરી તેની પાસે રહેલો મોંઘોદાટ મોબાઈલ લૂંટી લીધો હતો. આટલું જ નહીં, જ્યારે હિંમતવાન યુવતીએ પોતાનો સામાન બચાવવા પ્રતિકાર કર્યો, ત્યારે નિર્દય લૂંટારુઓએ ધારદાર હથિયાર વડે તેનું ગળું ચીરી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
85 હજારના મોબાઈલ માટે લોહીની હોળી
ઘટનાની વિગત મુજબ 4 દિવસ અગાઉ પીપોદરા GIDCમાં નોકરી કરતી એક યુવતી હંમેશ મુજબ પોતાના કામે જઈ રહી હતી. આ દરમિયાન લૂંટના ઈરાદે અગાઉથી રેકી કરીને બેઠેલા બે શખ્સોએ તેને નિર્જન રસ્તે અટકાવી હતી. આરોપીઓએ યુવતી પાસે રહેલો ₹85,000ની કિંમતનો એપલ કંપનીનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આ લૂંટનો સખત વિરોધ કર્યો અને લૂંટારુઓ સાથે ઝપાઝપી કરી હતી. પોતાના મનસૂબામાં નિષ્ફળ જતાં જોઈ લૂંટારુઓ ઉશ્કેરાઈ ગયા હતા.
મંગલ પાલ નામના શખ્સે ચપ્પુ વડે કર્યો હુમલો
મળતી માહિતી અનુસાર લૂંટના ઈરાદે આવેલા મંગલ પાલ (Mangal Pal) નામના શખ્સે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી યુવતીના ગળાના ભાગે ફેરવી દીધું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી યુવતીએ લોહીલુહાણ હાલતમાં બુમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. લોકોની ભીડ જોઈને લૂંટારુઓ ભાગવા લાગ્યા હતા, પરંતુ જનતાની સતર્કતાને કારણે મુખ્ય આરોપી મંગલ પાલ પકડાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી અને આરોપીને કોસંબા (Kosamba) પોલીસના હવાલે કર્યો હતો.
પોલીસ કાર્યવાહી અને ફરાર આરોપીની શોધખોળ
કોસંબા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મંગલ પાલ સાથે તેનો સાથીદાર બલુ નાયક (Balu Nayak) પણ આ ગુનામાં સામેલ હતો. પોલીસે ઘટનામાં વપરાયેલું લોહીવાળું ચપ્પુ કબજે કર્યું છે અને મંગલ પાલની વિધિવત ધરપકડ કરી તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે, અન્ય આરોપી બલુ નાયક હજુ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Surat: બાંધકામ સાઈટ પરથી સગીરાને ભગાડી જનાર શખ્સ પોલીસ સમક્ષ હાજર, શું કરી કબૂલાત?
આ પણ વાંચોઃ Surat: ઔરંગાબાદથી સુરત સુધીનું કનેક્શન! બાળકીને વેચવાનો મનસૂબો નાકામ


