Surat: RTI ના દુરુપયોગ પર પાબંદી લગાડવા માટે MLA અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
- વ્યક્તિગત RTI માંગીને સામાન્ય લોકોને પરેશાન કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ
- જે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન-પરેશાન કરવામા આવે છે
- તેઓની મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપે છે
RTI : આરટીઆઈનો દુરુપયોગ કરી લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાના આક્ષેપ ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યા છે. અરવિંદ રાણાએ પાલિકાના અધિકારીઓની સાઠગાંઠમાં કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો ખાનગી મિલકતોની આર.ટી.આઈ કરી તેના માલિકો પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવતા હોવાના પણ ગંભીર આરોપ મૂક્યા છે. જે અંગે આરટીઆઇનો દુરુપયોગ કરનારા લોકો પર પાબંદી લગાડવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખાનગી મિલકતોની આર.ટી.આઈ આપવા પર પ્રતિબંધ લગાડવામાં આવે તેવી માંગ કરી છે.
લોકોને માહિતી માંગવાનો અધિકાર મળી રહે તે માટે આરટીઆઈનો કાયદો અમલમાં છે
લોકોને માહિતી માંગવાનો અધિકાર મળી રહે તે માટે આરટીઆઈનો કાયદો અમલમાં છે. જે કાયદા અંતર્ગત કોઈપણ વ્યક્તિ અધિકારી પાસે લેખિતમાં તેનો જવાબ માંગી શકે છે. પરંતુ આ આરટીઆઈના કાયદાનો કેટલાક લોકો દુરુપયોગ કરતા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. આઈ.ટી.આઈ દ્વારા માહિતી માંગી ખાનગી મિલકતોના માલિકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે. આ આક્ષેપો અન્ય કોઈ નહીં પરંતુ સુરત ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યા છે. પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક આર.ટી.આઈ એક્ટિવિસ્ટો ખાનગી મિલકતો સામે આરટીઆઇ કરે છે.
લોકોને પણ કેટલાક અસામાજિક તત્વોના ત્રાસથી છુટકારો મળી રહેશે
લોકો પોતાના રહેવા માટે, રીનોવેશન માટે અથવા અન્ય બાંધકામ કરતા હોય તેવી મિલકતોની જે તે વિભાગમાં આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવે છે. અધિકારીઓના મેળાપીપળામાં કેટલાક આર.ટી.આઈ એક્ટિવિસ્ટો આરટીઆઇ દ્વારા માહિતી માંગી લોકો પાસેથી રૂપિયા પડાવે છે. જે અંગેની ફરિયાદો પણ મળી છે. જેના કારણે લોકો માનસિક રીતે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. મહારાષ્ટ્રમાં પાલિકા અને નગરપાલિકામાં સ્ટેટ ઇન્ફોર્મેશન કાયદો લાવવામાં આવ્યો છે. જેમાં કોઈપણ ખાનગી વ્યક્તિની મિલકત અંગેની માહિતી ન આપવા માટે ની જોગવાઈ કરવામાં આવી છે. જો મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ થતો હોય તો ગુજરાતમાં પણ કરવામાં આવે તેવી માંગ છે. આર.ટી.આઈનો દુરુપયોગ તો બંધ થશે પરંતુ તેની સાથે લોકોને પણ કેટલાક અસામાજિક તત્વોના ત્રાસથી છુટકારો મળી રહેશે.
આ પણ વાંચો: Banaskantha: આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઇ વિરોધ કર્યો