Surat: પાંડેસરામાં મહિલાના મૃતદેહનો ઉકેલાયો ભેદ, કુકરથી હત્યા કરાઇ
- પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધની પતિને શંકા હતી
- શંકાનું સમાધાનની જગ્યાએ પત્ની સાથે ઝઘડો કર્યો
- પત્નીનું માથું દિવાલ સાથે અથડાવ્યું, કુકર મારી હત્યા કરી
Surat ના પાંડેસરામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58 ખાતે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. આ બાબતે પાડોશીઓએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. જેમાં માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને રૂમના દરવાજા પર લાગેલું લોક તોડી અંદર જોયું તો, જોનારા તમામ લોકો ચોંકી ગયા હતા. કારણકે, પલંગ પર મહિલાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
ઘરમાં રહેલો મૃતદેહ 35 વર્ષીય લક્ષ્મી સ્વાઈનો હતો
ઘરમાં રહેલો મૃતદેહ 35 વર્ષીય લક્ષ્મી સ્વાઈનો હતો. લક્ષ્મી તેના પતિ કૃષ્ણા સાથે રહેતી હતી. બે દિવસથી રૂમ બંધ હતો. ઘટના બાદ તેનો પતિ ફરાર હતો. જેમાં દંપતી મૂળ ઓરિસ્સાનું રહેવાસી હતુ. જેથી, કૃષ્ણા ઓરિસ્સા ભાગી ગયો હોવાની શંકાએ પોલીસની એક ટીમ રવાના થઈ અને ત્યાંથી, આરોપીને ઝડપી સુરત લવાયો હતો. પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આરોપીએ પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.
પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધની પતિને શંકા હતી
મૂળ ઓરિસ્સાનું દંપતી છેલ્લા કેટલાક મહિનાથી પાંડેસરા વિસ્તારની કર્મયોગી સોસાયટી વિભાગ બેમાં ભાડે રૂમ રાખી રહેતું હતું. પરંતુ, આખરે એવું તો શું બન્યું કે, ક્રિષ્નાએ તેની પત્નીની આટલી બેરહેમીથી હત્યા કરી નાંખી, પોલીસે એ સવાલ પૂછ્યો તો આરોપીએ કારણ જણાવ્યું હતું. તે મુજબ લક્ષ્મીના ચારિત્ર્ય પર ક્રિષ્નાને શંકા હતી. છેલ્લા કેટલાક સમયથી પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની પતિને શંકા હતી. આ શંકાનું સમાધાન કરવાની જગ્યાએ ક્રિષ્નાએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન, આવેશમાં ભાન ભૂલી પત્નીનું માથું દિવાલ સાથે અથડાવી માથામાં કુકર ફટકારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ, દરવાજે તાળુ મારી ઓરિસ્સા ભાગી ગયો હતો.
ક્રિષ્ના અને તેની પત્નીએ સાળાની પત્નીની હત્યા કરી
આ બધા વચ્ચે પોલીસને એક ચોંકાવનારી જાણકારી તપાસ દરમિયાન મળી હતી. વર્ષ 2017માં ક્રિષ્ના અને તેની પત્નીએ સાળાની પત્નીની હત્યા કરી હતી. મિલકતના વિવાદમાં હત્યા કરનાર દંપતીની પોલીસે ધરપકડ કરી હતી. લાજપોર જેલમાં હત્યા કેસની સજા ભોગવી રહ્યા હતા. થોડા મહિના અગાઉ જામીન પર પતિ-પત્ની મુક્ત થયા હતા. ત્યારબાદ, પાંડેસરાની કર્મયોગી સોસાયટીના વિભાગ બેમાં મકાન ભાડે રાખી રહેતા હતા. ગુનાહિત માનસિક્તા ધરાવનાર ક્રિષ્નાએ શાંતિથી બેસી પત્ની સાથે વાત કરી હોત તો, આજે તેની પત્ની જીવીત હોત અને તેની હત્યાના આરોપસર જેલની હવા ખાવાનો વારો ન આવ્યો હોત.
આ પણ વાંચો: Ahmedabad: ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી